બે સગીરાઓના યૌન શોષણના આરોપી તમિલનાડુના પાદરી જ્હોન જેબરાજની ધરપકડ થઈ હોવાના સમાચાર સામે આવી છે. કેરળના મુન્નારમાં પાદરી છુપાઈને બેઠો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. POCSO હેઠળ ગુનો દાખલ થયા બાદ સેન્ટ્રલ ઑલ વુમન પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.
આરોપ છે કે, 21 મે, 2024ના રોજ તમિલનાડુના કોયંબત્તૂરના GN મિલ વિસ્તારમાં જેબરાજે પોતાના નિવાસસ્થાન પર એક પાર્ટીનું આયોજન કર્યું હતું. તે દરમિયાન 14 અને 17 વર્ષની બે સગીરાઓનું તેણે યૌન શોષણ કર્યું હોવાનો આરોપ છે. એક પીડિતાએ પોતાના પરિવારને ઘટના વિશેની જાણ કર્યા બાદ આ કેસ સામે આવ્યો હતો.
ગુનો નોંધાયા બાદ જેબરાજ કેરળના મુન્નારમાં ભાગીને જતો રહ્યો હતો. ઇન્સ્પેકટર અર્જુન કુમારના નેતૃત્વમાં એક વિશેષ પોલીસદળે તેને મુન્નારમાં ટ્રેક કર્યો હતો અને શનિવારે (12 એપ્રિલ) સાંજે તેની ધરપકડ કરવામાં આવી હતી.