1989 બેચના IPS અધિકારી પરાગ જૈનને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના (R&AW) નવા ચીફ નીમવામાં આવ્યા છે. સત્તાવાર રીતે આ પદને સેક્રેટરી (રૉ) કહેવામાં આવે છે.
પરાગ જૈન 1 જુલાઈના રોજ પદભાર સંભાળશે. તેમનો કાર્યકાળ 2 વર્ષ માટેનો રહેશે. હાલના રૉ ચીફ રવિ સિન્હા 30 જૂનના રોજ સેવાનિવૃત્ત થઈ રહ્યા છે.
પરાગ જૈન હાલ રૉમાં જ ફરજ બજાવે છે અને અત્યાર સુધી એજન્સીનું એવિએશન રિસર્ચ સેન્ટર જોતા હતા, જે વિદેશોમાં એરિયલ સર્વેલન્સ સંબંધિત ઑપરેશનો સંભાળે છે. તેઓ લગભગ 2 દાયકાથી એજન્સીમાં સેવા આપી રહ્યા છે.
કારકિર્દીની શરૂઆતમાં પરાગ જૈન પંજાબમાં અનેક મહત્ત્વના હોદ્દા સંભાળી ચૂક્યા છે. તેઓ સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઑફ પોલીસ રહ્યા તો અનેક જિલ્લાઓમાં DIG તરીકે પણ ફરજ બજાવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રૉમાં તેમને પાકિસ્તાન ડેસ્ક પર પણ ઘણુંખરું કામ કર્યું છે અને જમ્મુ-કાશ્મીર સંબંધિત ઈન્ટેલિજન્સ તેમજ આર્ટિકલ 370 હટાવવામાં પણ અગત્યની ભૂમિકા ભજવી હતી. શ્રીલંકા અને કેનેડામાં પણ તેમણે મિશનો કર્યાં હોવાનું કહેવામાં આવે છે.
તાજેતરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઑપરેશન સિંદૂર હેઠળ આતંકવાદી ઠેકાણાં ધ્વસ્ત કર્યાં એ ઑપરેશનમાં પણ પરાગ જૈને અગત્યની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે.
રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ ભારતની ફોરેન ઇન્ટેલિજન્સ એજન્સી છે અને વિશ્વની ટોચની આ પ્રકારની એજન્સીઓમાં સ્થાન પામી છે. જોકે તેના કામના કારણે એજન્સી કે તેના અધિકારીઓ વિશે મોટાભાગની વિગતો સાર્વજનિક કરવામાં આવતી નથી.