Saturday, July 12, 2025
More

    પહલગામ હુમલાના થોડા જ કલાકો બાદ બારામુલામાં સરહદ પાર કરીને ઘૂસણખોરી કરવાનો પાકિસ્તાની આતંકવાદીઓનો પ્રયાસ, સેનાએ બેને ઠાર કર્યા

    જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ થોડા જ કલાકોમાં ઉત્તર કાશ્મીરના બારામુલામાં 2-3 પાકિસ્તાની આતંકવાદીઓએ સરહદ પાર કરીને ભારતમાં ઘૂસી આવવાનો પ્રયાસ કર્યો હતો, જેને સેનાએ નિષ્ફળ બનાવી દીધો છે અને બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. 

    સેનાએ જણાવ્યું કે, 23 એપ્રિલના રોજ લગભગ 2થી 3 આતંકવાદીઓએ ઉડી નાલા, બારામુલા વિસ્તારમાંથી ઘૂસી આવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ જવાનોએ લાઇન ઑફ કન્ટ્રોલ પર જ તેમને પકડી પાડ્યા હતા અને તેના કારણે પછીથી ગોળીબાર થયો હતો. 

    આ ગોળીબારમાં પછીથી બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. સેનાના જણાવ્યા અનુસાર તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો, ગોળા-બારૂદ અને અન્ય સામગ્રીઓ મળી આવી છે. હાલ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 

    ઉલ્લેખનીય છે કે મંગળવારે (22 એપ્રિલ) કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કરીને કુલ 28 વ્યક્તિઓને મારી નાખ્યા હતા. તેમને પહેલાં નામ પૂછવામાં આવ્યાં, અમુકને કલમા પઢવા માટે કહેવામાં આવ્યું, અમુકનાં પેન્ટ ઉતારીને ચેક કરવામાં આવ્યાં અને હિંદુ હોવાની ખાતરી કરીને મારી નાખવામાં આવ્યા. 

    આ નિર્મમ ઇસ્લામી આતંકવાદી હુમલા બાદ દેશભરમાં આક્રોશ છે. વડાપ્રધાન મોદી તેમની સાઉદી યાત્રા અટકાવીને પરત ફર્યા છે. ગૃહમંત્રી શાહ કાશ્મીરમાં છે. સેના અને સુરક્ષાબળો હાલ હાઇએલર્ટ પર છે.