Wednesday, June 25, 2025
More

    પંજાબમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરનાર ખાલિસ્તાની નેતાની ધરપકડ: કાશ્મીરમાં પણ ઇશફાક નસીર સહિત 3 સરકારી કર્મચારીઓ બરખાસ્ત, આતંકી દેશને ગોપનીય માહિતી પહોંચાડવાનો આરોપ

    પંજાબના તરણતારણમાંથી (Taran Taran, Punjab) પોલીસે ખાલિસ્તાની નેતાગગનદીપ સિંઘ ઉર્ફે ગગન નામના વ્યક્તિની ધરપકડ કરી છે. તેના પર પાકિસ્તાનની (Pakistani Spy) ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ (ISI) અને ખાલિસ્તાની (Khalistani) આતંકવાદી ગોપાલ સિંઘ ચાવલાને સંવેદનશીલ માહિતી પૂરી પાડવાનો આરોપ છે.

    તરણતારણ પોલીસ અને કાઉન્ટર-ઈન્ટેલિજન્સ યુનિટના સંયુક્ત ઑપરેશનમાં આ ધરપકડ કરવામાં આવી હતી. ગગનદીપ સિંઘે ઑપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાની હિલચાલ અને અન્ય ગુપ્ત માહિતી પાકિસ્તાની એજન્ટોને આપી હોવાનું જાણવા મળ્યું છે.

    પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગગનદીપ સિંઘ છેલ્લા પાંચ વર્ષથી પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની સમર્થક ગોપાલ સિંઘ ચાવલા સાથે સંપર્કમાં હતો, જેના દ્વારા તેનો પરિચય પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ (PIOs) સાથે થયો હતો.

    તેણે PIOs સાથે શેર કરેલી ગુપ્ત માહિતી ધરાવતો મોબાઇલ ફોન તેમજ 20 થી વધુ ISI સંપર્કોની વિગતો મળી આવી છે. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી જપ્ત કરી છે, અને વધુ તપાસ ચાલુ છે.

    કાશ્મીરમાં પણ 3 સરકારી કર્મચારીઓ બરખાસ્ત

    બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ (Manoj Sinha) આતંકવાદી પ્રવૃત્તિઓ અને પાકિસ્તાન સાથે જાસૂસીના આરોપસર ત્રણ સરકારી કર્મચારીઓને બરખાસ્ત કર્યા છે. 3 જૂને બરતરફ કરાયેલા લોકોમાં પોલીસ કોન્સ્ટેબલ મલિક ઇશફાક નસીર; શાળા શિક્ષણ વિભાગમાં શિક્ષક એજાઝ અહેમદ; અને શ્રીનગરની સરકારી મેડિકલ કોલેજમાં જુનિયર સહાયક વસીમ અહેમદ ખાનનો સમાવેશ થાય છે.

    આ ત્રણેય કર્મચારીઓ પર આતંકવાદી સંગઠનો સાથે જોડાણ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવણીના આરોપો છે. એલજી મનોજ સિંહાએ આ કડક કાર્યવાહી કરીને રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં કરવાની સ્પષ્ટ ચેતવણી આપી છે. આ ઘટનાઓ દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર પડકારો દર્શાવે છે, અને સુરક્ષા એજન્સીઓ દ્વારા આવા તત્વો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.