Sunday, June 22, 2025
More

    લાહોરમાં અપાતી હતી રાજસ્થાનમાંથી પકડાયેલા કાસિમ સહિતના જાસૂસોને તાલીમ: પોલીસ પૂછપરછમાં ખુલાસા, શાહજી સહિત અન્ય 2ને પકડવા દરોડા ચાલુ

    પાકિસ્તાન માટે જાસૂસી (Pakistan Spy) કરવાના આરોપમાં દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે (Delhi Police) રાજસ્થાનથી (Rajasthan) કાસિમ નામક આરોપીની ધરપકડ કરી હતી. હવે તેની પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થયા હોવાનું સામે આવ્યું છે. ખુલાસો થયો છે કે 3 ISI અધિકારીઓ કાસિમ સહિત કેટલાક આરોપીઓને પાકિસ્તાનમાં તાલીમ આપી રહ્યા હતા.

    પાકિસ્તાનમાં, કાસિમને લાહોરના એક આર્મી કેમ્પમાં ત્રણ ISI આતંકીઓ તાલીમ આપી રહ્યા હતા. આ તાલીમ અધિકારીઓમાં બે લોકો શાહજી અને તૌજીના કોડ-નેમ ધરાવતા હતા. ત્રીજા ISI અધિકારીની ઓળખ વકાસ તરીકે થઈ છે. કાસિમ સિવાયના આતંકીઓની ધરપકડ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

    અહેવાલ મુજબ કાસિમની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ અલવરમાં આર્મી સ્ટેશનની જાસૂસી કરી, સૈનિકોની હલચલની તસ્વીરો લેતા અને ટાઈમ નોંધતા હતા. કાસિમ મૌલવીના રૂપમાં જાસૂસી કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ (NDR) એ બુધવારે રાજસ્થાનના મેવાતથી કાસિમની ધરપકડ કરી હતી.

    અહેવાલ મુજબ કાસિમ 2024 અને 2025માં એમાં 2 વાર પાકિસ્તાનની મુલાકાત લઈ ચૂક્યો છે. તે બુઆને મળવાના બહાને લગભગ 3 મહિના જેટલા સમયગાળા સુધી પાકિસ્તાનમાં રોકાયો હતો. 29 મેના રોજ તેને પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો.

    નોંધનીય છે કે આ સિવાય આ અઠવાડિયામાં જ રાજસ્થાનના જેસલમેરમાંથી પૂર્વ કોંગ્રેસ મંત્રી સાલેહ મોહમ્મદના PA અને સરકારી કર્મચારી શકુર ખાનની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.