Thursday, July 10, 2025
More

    પાકિસ્તાની સેનાના જે અધિકારીએ અભિનંદન વર્ધમાનને પકડવાનો કર્યો હતો દાવો, તે ખૈબર પખ્તુનખ્વામાં માર્યો ગયો

    વર્ષ 2019માં પાકિસ્તાની ફાઈટર જેટનો પીછો કરતાં પાકિસ્તાન જઈ પહોંચેલા ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર (તત્કાલીન, હવે ગ્રુપ કેપ્ટન) અભિનંદન વર્ધમાનને પકડી પાડવાનો દાવો જે પાકિસ્તાની સેનાના અધિકારીએ કર્યો હતો તે ખૈબર પખ્તુનખ્વામાં મૃત્યુ પામ્યો છે. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેજર મોઇઝ અબ્બાસ શાહ નામનો આ પાકિસ્તાની સેનાનો અધિકારી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સાથે અથડામણ દરમિયાન માર્યો ગયો હતો. 

    પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના માણસો અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ થઈ, જેમાં 11 આતંકવાદીઓ માર્યા ગયા અને સામે પાકિસ્તાનની સેનાના બે અધિકારીઓ પણ માર્યા ગયા. તેમાંથી એક આ મોઇઝ અબ્બાસ હતો. 

    ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરી, 2019ના દિવસે પુલવામામાં CRPFના કાફલા પર આતંકવાદી હુમલો થયા બાદ 40 જવાનો વીરગતિ પામ્યા હતા. ત્યારબાદ થોડા જ દિવસમાં ભારતે બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરીને આતંકી કેમ્પોનો નાશ કર્યો હતો. જેનાથી ઉશ્કેરાઈને બીજા દિવસે પાકિસ્તાને ભારત પર જેટ મોકલ્યાં હતાં, જેનો પીછો કરવા માટે અભિનંદને જેટ સાથે ઉડાન ભરી હતી. તેમણે એક પાકિસ્તાની જેટ તોડી પાડ્યું હતું, પણ પછીથી તેમનું વિમાન પણ અસ્થિર થતાં તેમણે છોડી દેવું પડ્યું હતું. ત્યારબાદ તેઓ LoCની પેલે પાર પાકિસ્તાન જઈને લેન્ડ થયા હતા. 

    પાકિસ્તાને શરૂઆતમાં આનાકાની કરી હતી, પણ મોદી સરકારે કડક વલણ અપનાવતાં પછીથી પાડોશી આતંકવાદી દેશે અભિનંદનને સુરક્ષિત પરત મોકલી દેવા પડ્યા હતા.