પશ્ચિમ બંગાળની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સે કૈનિંગ વિસ્તારથી એક વેલ-ટ્રેઈન્ડ આતંકવાદીને ઝડપી લીધો છે. આ આતંકવાદી પાકિસ્તાનથી ટ્રેનિંગ લઈને પશ્ચિમ બંગાળના 24 પરગણાથી બાંગ્લાદેશ જવાની ફિરાકમાં હતો. આ આતંકવાદીનું નામ જાવેદ મુનશી હોવાનું જાણવા મળ્યું છે અને તે લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો છે. તે લશ્કરના ઈશારે જ બાંગ્લાદેશમાં ઘૂસણખોરી કરવા કૈનિંગ ખાતે ફરી રહ્યો હતો.
અહેવાલોમાં જણાવ્યા અનુસાર જાવેદ મુનશી IED એક્સપર્ટ છે અને તે ગમે તે પ્રકારનાં હથિયારો ચલાવી શકે તેવો પાવરધો છે. તે લશ્કર-એ-તૈયબાની જ એક પાંખ તહરીક-ઉલ-મુજાહિદ્દીન સાથે સંકળાયેલો છે. આતંકવાદી ગતિવિધિઓ સાથે તેનો બહુ જૂનો નાતો છે. વર્ષ 2011માં અહલ-એ-હદીસના નેતા શૌકત અલીની હત્યાના આરોપ પણ તેના પર લાગી ચૂક્યા છે. તે આતંકવાદી ગતિવિધિઓના કારણે અનેક વાર જેલ પણ જઈ ચૂક્યો છે.
ધરપકડ બાદ સુરક્ષા એજન્સીએ તેની કડક પૂછપરછ કરી હતી. શરૂઆતની પૂછપરછમાં તેણે તેના આકાઓના ઈશારે બનાવટી પાસપોર્ટના આધારે બાંગ્લાદેશ, નેપાળ અને અન્ય સ્થળોની અનેક વાર યાત્રાઓ કરી હોવાનું સ્વીકાર્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસના ચોપડે તે મોસ્ટ વૉન્ટેડની યાદીમાં છે.