Wednesday, March 12, 2025
More

    ‘જીવ બચાવવો હોય તો બલૂચિસ્તાન છોડો’: BLAનું ચીન અને પાકિસ્તાનને અલ્ટિમેટમ, ટ્રેન હાઈજેક કર્યા બાદ 30 સૈનિકોને માર્યા હોવાનો દાવો

    પાકિસ્તાનના (Pakistan) બલૂચિસ્તાનમાં બલોચ લિબરેશન આર્મીએ (BLA) 11 માર્ચના રોજ જાફર એક્સપ્રેસ ટ્રેન હાઈજેક (Train Hijack) કરી લીધી હતી. કહેવાઈ રહ્યું છે કે, આ ટ્રેનમાં સવાર લગભગ 214 પાકિસ્તાની નાગરિકોને બંધક બનાવી લેવાયા હતા. ત્યારે હવે BLAએ દાવો કર્યો છે કે તેણે 30થી વધુ પાકિસ્તાની સૈનિકોની હત્યા કરી દીધી છે. બીજી તરફ પાકિસ્તાની આર્મીએ 16 વિદ્રોહીઓને મારી નાખ્યા હોવાનો દાવો કર્યો છે.

    આ દરમિયાન જ પાકિસ્તાની આર્મીએ એવો પણ દાવો કર્યો છે કે તેણે 104 બંધકોને છોડાવી લીધા છે. બીજી તરફ બલૂચ વિદ્રોહીઓનો દાવો છે કે તેમણે જ મુસાફરોને મુક્ત કરી દીધા છે. જોકે, હજુ પણ વધુ મુસાફરો તેમણે બંધક બનાવેલા છે. જેમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની સૈનિકો છે.

    જોકે, BLAએ પાકિસ્તાની જેલોમાં બંધ બલૂચ કેદીઓને મુક્ત કરવા માટે શાહબાઝ શરીફ સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાની સેના-પોલીસે હજુ સુધી આ ઘટના પર કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.

    બળવાખોરોએ ધમકી આપી છે કે જો પાકિસ્તાની સેના એક પણ ગોળી ચલાવશે તો તેઓ બંધકોને મારી નાખશે. જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો તેઓ દર કલાકે 5 બંધકોને મારવાનું શરૂ કરશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે અત્યાર સુધી આ કાર્યવાહીમાં કોઈ બલૂચ બળવાખોરનો જીવ ગયો નથી.

    કહેવાઈ રહ્યું છે કે આ ટ્રેનમાં લગભગ 500 મુસાફરો સવાર હતા. ત્યારે હવે BLAએ અલ્ટિમેટમ આપતા ચીન અને પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો તમારે તમારા જીવ બચાવવા હોય તો બલૂચિસ્તાન  છોડી દો.