Tuesday, March 11, 2025
More

    ફરી આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ફજેતી: અમેરિકાએ ‘કદાવર’ રાજદૂતએ ઘૂસવા પણ ન દીધા, વિઝા હોવા છતાં એરપોર્ટ પરથી ડાયરેક્ટ કરી દેવાયા ડિપોર્ટ

    હાલના સમયમાં પાડોશી દેશ પાકિસ્તાન કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. વારંવાર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આખા પાકિસ્તાનની ફજેતી થઈ રહી છે. તેવી જ એક ફજેતી હવે અમેરિકાએ કરી છે. જાણવા મળ્યું છે કે, તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂતને અમેરિકાએ પોતાના દેશમાં ઘૂસવા પણ નથી દીધા. હાલમાં આ ઘટનાને લઈને અમેરિકા કે પાકિસ્તાન સરકાર તરફથી કોઈ આધિકારિક નિવેદન સામે આવ્યું નથી.

    પરંતુ, મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાની રાજદૂત પાસે યાત્રા સંબંધિત તમામ દસ્તાવેજ અને વિઝા પણ ઉપલબ્ધ હતા. તેમ છતાં અમેરિકી ઈમિગ્રેશન અધિકારીએ તેમને પરત ફરી જવા માટેનું કહી દીધું છે. તે રાજદૂતનું નામ કેકે એહસાન વાગાન હોવાનું સામે આવ્યું છે. તેમને અમેરિકાના લોસ એન્જેલસના એરપોર્ટથી પરત મોકલી દેવાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

    પાકિસ્તાની રાજદૂત અમેરિકામાં રજાઓ ગાળવા માટે પહોંચ્યા હતા અને તે દરમિયાન જ ઈમિગ્રેશન અધિકારીઓએ તેમને એરપોર્ટ પર રોકી દીધા અને કાર્યવાહી કરી. રિપોર્ટ્સમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે, વિવાદાસ્પદ વિઝા સંદર્ભને લઈને વાગાન વિરુદ્ધ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલમાં અમેરિકાએ આ કાર્યવાહીને લઈને કોઈ સ્પષ્ટતા આપી નથી.

    ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, રાજદૂત કેકે વાગાને અમેરિકાથી ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. તેમના પર એક ઈમિગ્રેશન વાંધો ઉઠાવવામાં આવ્યો છે. જેના કારણે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડાર અને સચિવ અમીના બલોચના વિશે સૂચના આપવામાં આવી છે.