Friday, May 16, 2025
More

    ભારતના જવાનોએ ધૂઆં-ધૂઆં કરી નાખ્યાં આતંકવાદી લૉન્ચપેડ, ધ્વસ્ત કરી દુશ્મનની ચોકીઓ…સેનાએ જાહેર કર્યો ‘ઑપરેશન સિંદૂર’નો નવો વિડીયો

    ઑપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેના સતત પાકિસ્તાન પર પ્રહાર કરી રહી છે. પાકિસ્તાન તરફથી થતાં હુમલા હવામાં જ ધ્વસ્ત કર્યા બાદ ભારત જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના ઘણા અડ્ડાઓને ધ્વસ્ત કરી રહ્યું છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ભારતીય સેનાએ પણ પાકિસ્તાનના અનેક આતંકવાદી લૉન્ચપેડ ધ્વસ્ત કરી દીધા છે.

    સેનાએ સત્તાવાર X હેન્ડલ પરથી વિડીયો જારી કરીને આ સમગ્ર કાર્યવાહી વિશે માહિતી આપી છે કે કઈ રીતે પાકિસ્તાનના લૉન્ચપેડ ધ્વસ્ત કરાયા હતા. સેનાએ પોસ્ટમાં એવું પણ કહ્યું છે કે, 8 અને 9 મે 2025ની રાત્રે જમ્મુ અને કાશ્મીર તથા પંજાબના ઘણા શહેરોમાં ડ્રોન હુમલાના પ્રયાસ કરવાના પાકિસ્તાનના દુસ્સાહસના જવાબમાં ભારતીય સેનાએ આતંકવાદી લૉન્ચપેડ પર હુમલા કર્યા હતા અને તેમને નષ્ટ કરી નાખ્યા હતા.

    સેનાએ એવું પણ જણાવ્યું છે કે, LoC નજીક સ્થિત આ આતંકવાદી લૉન્ચપેડ ભૂતકાળમાં ભારતીય નાગરિકો અને સુરક્ષાદળો વિરુદ્ધ આતંકવાદી હુમલા કરવાની યોજના બનાવવા અને તેને અંજામ આપવાના અડ્ડા હતા. ભારતીય સેનાની ત્વરિત અને નિર્ણાયક કાર્યવાહીએ આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રકચર અને ક્ષમતાઓને એક મહત્વપૂર્ણ ઝટકો આપ્યો છે.