ભારત સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે, કાશ્મીર સાથે જોડાયેલો મુદ્દો માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય વાટાઘાટોથી જ ઉકેલાઈ શકે છે. તેમાં કોઈ ત્રીજા પક્ષની દખલગીરી નહીં હોય. મંગળવારે (13 મે) પ્રેસ કૉન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે, પાકિસ્તાને ગેરકાયદે પચાવી પાડેલું કાશ્મીર (POK) ખાલી કરવું જ પડશે. તેમણે એવું પણ કહ્યું કે, ભારતની આ નીતિ લાંબા સમયથી રહી છે અને તેમાં કોઈ બદલાવ નહીં થાય.
વિદેશ મંત્રાલયે એ પણ જણાવ્યું છે કે, 10 મેના રોજ ભારત અને પાકિસ્તાનના DGMO સાથે વાતચીત બાદ યુદ્ધવિરામ પર સહમતી બની હતી. પાકિસ્તાન તરફથી વાતચીત માટેની વિનંતી તે જ દિવસે 12:37 કલાકે કરવામાં આવી હતી, કારણ કે તકનીકી કારણોસર તેઓ હોટલાઈન દ્વારા ભારતનો સંપર્ક કરી શક્યા નહોતા. ત્યારબાદ ભારતીય DGMOના સમય મુજબ વાત કરવાનું નક્કી થયું હતું.
ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે, આ પાકિસ્તાનની મજબૂરી હતી. કારણ તે જ દિવસે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના મુખ્ય એરબેઝ ઠેકાણાંને ધ્વસ્ત કરી નાખ્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું કે, “આ ભારતીય સૈન્ય બળની તાકાત હતી કે, પાકિસ્તાનને ગોળીબાર અને સૈન્ય કાર્યવાહી રોકવા માટે મજબૂર કરવામાં આવ્યું હતું.”