Sunday, March 23, 2025
More

    વિદ્રોહીઓને મારીને 155 મુસાફરોને બચાવ્યા હોવાનો પાકિસ્તાનનો દાવો, પણ બલોચના લડવૈયાઓએ જ તેમને મુક્ત કર્યા હોવાની શક્યતા

    પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ક્વેટાથી પેશાવર જતી ટ્રેન પર હુમલો કરીને બલૂચિસ્તાન લિબરેશન આર્મીના વિદ્રોહીઓએ હાઈજેક કરી લીધી હતી અને 400 મુસાફરોને બંધક બનાવી લીધા હતા. જોકે પછીથી મહિલા અને બાળકોને મુક્ત કરી દેવાયાં હતાં. હવે પાકિસ્તાને દાવો કર્યો છે કે તેમણે કુલ 155 મુસાફરોને બચાવી લીધા છે અને અથડામણમાં 27 બલોચ વિદ્રોહીઓને મારી નાખ્યા છે. 

    પાકિસ્તાન સ્ટેટ મીડિયા અનુસાર, તેમની સેનાએ 27 બલૂચિસ્તાન લિબરેશન આર્મીના લડવૈયાઓને મારી નાખ્યા છે. જ્યારે 155 પેસેન્જરોને બચાવવામાં આવ્યા, જેમાંથી 37 ઈજાગ્રસ્ત છે. જેમની સારવાર ચાલી રહી છે. 

    અહીં પાકિસ્તાનના દાવા પર પણ પ્રશ્ન ઉઠે છે, કારણ કે જે નાગરિકોને બચાવવામાં આવ્યા છે તેઓ પોતે કહી રહ્યા છે કે તેમને બલોચ વિદ્રોહીઓએ પોતે જ મુક્ત કર્યા છે. આ સંજોગોમાં પાકિસ્તાને છોડાવ્યા હોવાના દાવામાં ઝોલ હોવાનું જણાય છે. જેથી તેનો અર્થ એ પણ થયો કે પાકિસ્તાન સેનાએ જે બલોચ વિદ્રોહીઓને માર્યા હોવાના બણગા ફૂંક્યા છે તેની ઉપર પણ પ્રશ્નાર્થ છે. 

    હજુ અમુક BLAની કસ્ટડીમાં બંધક તરીકે છે, જેમને છોડાવવા માટે સેના મોકલવામાં આવી હોવાનું પાકિસ્તાન સેનાનું કહેવું છે. એવી જાણકારી પણ સામે આવી રહી છે કે ટ્રેનમાં BLAના લડવૈયાઓએ સ્યુસાઇડ બૉમ્બ પહેરીને બેઠા છે અને બંધકોનો ‘હ્યુમન શિલ્ડ’ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. હજુ કેટલા બંધકો છે તેનો આંકડો પાકિસ્તાને આપ્યો નથી. 

    પાકિસ્તાની સેનાએ તેના કેટલા સૈનિકો માર્યા ગયા તેનો આંકડો આપ્યો નથી, પરંતુ તેમને પણ ખાસ્સું એવું નુકસાન પહોંચ્યું હોવાનું અનુમાન છે. BLAએ મંગળવારે (11 માર્ચ) એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે પાકિસ્તાની સેનાના 30 સૈનિકોને મારી નાખ્યા છે. સાથે ચેતવણી આપતાં કહ્યું હતું કે જો સેના તેમની ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરશે તો તમામ બંધકોને મારી નાખવામાં આવશે.