Monday, March 24, 2025
More

    પાકિસ્તાન સેનાએ કહ્યું- રેસ્ક્યુ ઑપરેશન પૂર્ણ, પણ જે આંકડો આપ્યો તેનાથી અનેકગણી વધુ લાશો સ્થળ પર પડી હોવાનો નજરે જોનારનો દાવો; BLAએ વધુ 50 પાક. સૈનિકો માર્યા 

    પાકિસ્તાનની સેનાએ બુધવારે (12 માર્ચ) રાત્રે એલાન કર્યું છે કે બલૂચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા જે ટ્રેન હાઈજેક કરવામાં આવી હતી તેને મુક્ત કરાવી છે અને ઑપરેશન પૂર્ણ થઈ ગયું છે. સાથે અમુક આંકડાઓ પણ આપ્યા. પણ દુનિયાને આ ગપ્પાં જ લાગી રહ્યાં છે, તેનાં ઘણાં કારણો છે. 

    પાકિસ્તાની સેનાના અધિકારીઓએ જે જણાવ્યું છે તે અનુસાર તેમણે તમામ 33 બલોચ વિદ્રોહીઓને મારી નાખ્યા છે અને 346 બંધકોને મુક્ત કરાવ્યા છે. બલોચોએ 21 બંધકો અને 4 પેરામિલિટરી સૈનિકોને માર્યા હોવાનું પાકિસ્તાનની સેનાએ જણાવ્યું છે. 

    સેના પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીએ દાવો કર્યો કે, સેનાએ સફળતાપૂર્વક ઑપરેશન પૂર્ણ કરીને તમામ ‘આતંકવાદીઓ’ને મારી નાખ્યા છે અને તમામ મુસાફરોને સુરક્ષિત બચાવી લીધા છે. દાવો એવો પણ કર્યો કે 440 વ્યક્તિઓ ટ્રેનમાં હતા, જેમને તબક્કાવાર બચાવવામાં આવ્યા અને આખી ટ્રેન તપાસવામાં આવી, હવે કોઈ નથી. 

    હવે પાકિસ્તાન સેનાનો આ આંકડો ઘણાને મગજમાં બેસી રહ્યો નથી. બીજી તરફ અમુક વિડીયો સામે આવ્યા છે જેમાં જાફર એક્સપ્રેસમાં બંધક બનાવાયેલી એક વ્યક્તિ જણાવે છે કે હાઇજેક સાઇટ પર હમણાં 70-80 મૃતદેહો પડ્યા છે. એટલા જ બીજા મૃતદેહો ટ્રેનની અંદર છે. આ આંકડો પાકિસ્તાનની સેના જે કહી રહી છે તેનાથી અનેકગણો વધારે છે. 

    બીજી તરફ અમુક વિડીયો અને ફોટો પણ સામે આવ્યા છે જેમાં ક્વેટા રેલવે સ્ટેશન પર કોફિન ટ્રાન્સફર કરવામાં આવી રહ્યાં હોય તે જોઈ શકાય છે. જેની સંખ્યા અનેકગણી વધારે છે. હવે કોઈ મર્યું જ ન હોય તો કોફિન શા માટે મોકલવામાં આવી રહ્યાં છે એ પ્રશ્ન છે, જેનો જવાબ પાકિસ્તાન સેના પાસે નથી. 

    BLAએ બીજી તરફ 12 માર્ચની રાત્રિના પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે હજુ 150 બંધકો તેમની કસ્ટડીમાં છે અને પાકિસ્તાનની સેના પાસે 24 કલાકનો સમય બચ્યો છે. તેમણે પચાસ વધુ પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા હોવાનું જણાવ્યું હતું, જેની સાથે માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકોનો આંકડો 100 પાર કરી ગયો છે. 

    ઘટનાક્રમમાં BLA સતત નિવેદનો આપી રહ્યું છે, જ્યારે પાકિસ્તાની સેના અધકચરી અને હવામાં વાતો કરી રહી છે.