Friday, December 6, 2024
More

    BCCIએ વાંધો ઉઠાવતાં હવે POKનાં શહેરોમાં નહીં જાય ચેમ્પિયન્સ ટ્રોફી, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મોટા ઉપાડે જાહેરાત કર્યા બાદ ICCએ લગાવી હતી ફટકાર

    BCCIએ વાંધો ઉઠાવ્યા બાદ અને ICCએ કડક આદેશ આપ્યા બાદ પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરમાં ફેરફાર કર્યો છે અને POKનાં શહેરોને બાકાત કરી દીધાં છે. 

    હવે ટ્રોફી ટૂર માત્ર કરાંચી, રાવલપિંડી, ઈસ્લામાબાદ અને અબોટાબાદમાં જ થશે. લાહોર જેવાં શહેરો, જ્યાં પ્રદૂષણ હદથી વધારે છે ત્યાં પણ ટ્રોફીની ટૂર યોજાશે નહીં. 

    આ ટૂર શનિવારે (16 નવેમ્બર) ઈસ્લામાબાદથી શરૂ થઈ હતી અને આ શહેરોમાં ફરીને 25 નવેમ્બરે કરાંચી પહોંચશે. તેનો હેતુ પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે. જોકે, આતંકવાદને પોસતા પાકિસ્તાનમાં પ્રવાસનના નામે કાયમ મીંડું જ હોય છે અને દુનિયાના પ્રવાસીઓ ખાસ રસ દાખવતા નથી. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે તેઓ આખા પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી ફેરવશે. ત્યાં સુધી તો ઠીક હતું, પણ તેમણે પાકિસ્તાનમાં POKને પણ જોડી દીધું હતું, જે વાસ્તવમાં ભારતનો હિસ્સો છે અને પાકિસ્તાને પચાવી પાડ્યો છે. 

    BCCIએ પછીથી આ મામલો ICC સમક્ષ ઉઠાવ્યો હતો. ત્યારબાદ ICCએ વચ્ચે પડીને પાકિસ્તાનને ફટકાર લગાવતાં PCBએ પારોઠનાં પગલાં ભરી લીધાં હતાં.