Monday, March 24, 2025
More

    ઑસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચ દરમિયાન ‘જન…ગણ…મન…’ વગાડવા મુદ્દે પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડે ICCની ભૂલ કાઢી, માંગ્યો જવાબ

    શનિવારે (22 ફેબ્રુઆરી) પાકિસ્તાનના લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી ઑસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની મેચમાં ભૂલથી ભારતનું રાષ્ટ્રગીત શરૂ થઈ ગયું હતું, જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા બાદ ભારતીયોએ મજા પણ બહુ લીધી. હવે આ બાબતે પાકિસ્તાને ICCની ભૂલ કાઢી છે. 

    રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ICC પાસે એ બાબતની સ્પષ્ટતા માંગી છે કે આખરે ઑસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની મેચમાં ભારતનું રાષ્ટ્રગીત કેમ વગાડવામાં આવ્યું હતું. ICCએ શું પ્રતિક્રિયા આપી તે હજુ સુધી જાણવા મળ્યું નથી. 

    નોંધવું જોઈએ કે મેચની શરૂઆતમાં ખરેખર ઑસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત વગાડવાનું હતું, પરંતુ ભૂલથી વાગી ગયું હતું ભારતનું. અચાનક ‘જન…ગણ…મન..’ શરૂ થઈ ગયા બાદ આયોજકોના ધ્યાને આવ્યું અને બંધ કરીને સાચું ગીત વગાડ્યું હતું. પણ ત્યાં સુધીમાં તો મેદાનમાં હોહા થઈ ગઈ. બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ લોકોએ વિડીયો શેર કરવા માંડ્યા. 

    બીજી તરફ, રવિવારે ભારત અને પાકિસ્તાન બંને એકબીજા સામે રમી રહ્યા છે. આ લખાય રહ્યું છે ત્યારે પાકિસ્તાનની ઇનિંગ ચાલી રહી છે. ભારતે પાકિસ્તાનીઓની જૂની કરતૂતો અને સુરક્ષા કારણોને જોતાં ત્યાં ન જવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ICCની મધ્યસ્થતાથી સ્થળ દુબઈ નક્કી થયું. હવે દુબઈમાં ભારતની તમામ મેચ રમાઈ રહી છે.