પાકિસ્તાની સેનાએ તાજેતરમાં આતંકવાદીઓ સામે અભિયાન ચલાવ્યું હોવાનું કહેવાય રહ્યું છે. આ જ કડી હેઠળ પાકિસ્તાની સેનાએ ખૈબર પખ્તુન્ખ્વામાં (KPK) પણ આ કાર્યવાહી તેજ કરી હતી. પાકિસ્તાની સેનાએ તાલિબાનના આતંકીઓને મારવા માટે આ વિસ્તારમાં ડ્રોન વડે બૉમ્બ ચલાવ્યા હતા. જોકે, આતંકવાદીઓની સાથે પાકિસ્તાની સેનાએ આ વિસ્તારના સ્થાનિક નાગરિકોનો પણ જીવ લઈ લીધો હતો.
ડ્રોન હુમલામાં KPKના સામાન્ય નાગરિકો પણ માર્યા ગયા હોવાનું સરકારે સ્વીકાર્યું છે. આ મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થતો હતો. જોકે, પાકિસ્તાની સેનાએ 12 આતંકીઓને માર્યા હોવાનું પણ કહ્યું છે. પાકિસ્તાની સેનાએ કહ્યું છે કે, આ અભિયાનમાં ‘કેટલાક નાગરિકો’ના પણ મોત થયા છે.
પ્રાંતિય સરકારે પ્રેસનોટમાં કહ્યું છે કે, “મરદાન જિલ્લાના કટલાંગમાં પહાડી વિસ્તારમાં શનિવારે સવારે આતંકી ઠેકાણાંને નિશાન બનાવવામાં આવ્યા હતા. સરકારે આ હુમલામાં સામાન્ય નાગરિકોના મોતની પુષ્ટિ કરી છે. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.” વધુમાં ખૈબરના મુખ્યમંત્રીએ નાગરિકોના મોત બદલે વળતરની માંગણી પણ કરી છે. વધુમાં સામે આવ્યું છે કે, પાકિસ્તાની સેનાએ 11 નિર્દોષ નાગરિકો પર બૉમ્બ વરસાવી દીધા છે.
એક અધિકારીએ નામ ન છાપવાની શરતે મીડિયાને જણાવ્યું હતું કે, મૃતકોમાં બે મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. પાકિસ્તાની સરકારના વિરોધમાં સ્થાનિકોએ પીડિત મૃતકોના મૃતદેહોને રસ્તાઓ પર રાખ્યા છે અને કહ્યું છે કે, પાકિસ્તાની સેનાએ ‘નિર્દોષ નાગરિકો’ને મોતને ઘાટ ઉતારી દીધા છે.