Sunday, June 22, 2025
More

    ભારતે નૂરખાન એરબેઝ પર પ્રહાર કરતા જ બંકરમાં છુપાઈ ગયો હતો પાકિસ્તાની આર્મી ચીફ મુનીર: હવે સેફ હાઉસમાં શિફ્ટ કરાયો હોવાના અહેવાલ

    ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના નૂરખાન એરબેઝ પર મોટો હુમલો કર્યો હતો, જેના કારણે પાકિસ્તાની સેનામાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલાથી પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીરને તાત્કાલિક રાવલપિંડીમાં જનરલ હેડક્વાર્ટરમાં (GHQ) એક સુરક્ષિત બંકરમાં છુપાઈ જવું પડ્યું હતું. ભારત દ્વારા કરવામાં આવેલા આ સચોટ હુમલાથી પાકિસ્તાની સેનાના ટોચના નેતૃત્વમાં સ્પષ્ટપણે ભયનો માહોલ સર્જાયો હતો.

    CNN ન્યૂઝ18એ તેના અહેવાલમાં આ વાતનો ખુલાસો કર્યો છે. આખી રાત છુપાઈને પોતાનો જીવ બચાવનાર મુનીર હવે પોતાનો બેઝ પણ બદલી શકે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે.

    ઇસ્લામાબાદથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલ નૂરખાન એરબેઝ પાકિસ્તાન વાયુસેનાનું એક મુખ્ય કેન્દ્ર છે. આ હુમલામાં ઇંધણ ટ્રકો, ગોદામો અને C-130 વિમાનને ભારે નુકસાન થયું હતું. સેટેલાઇટ છબીઓ સ્પષ્ટપણે રનવે નજીક કાટમાળ અને વિનાશ દર્શાવે છે. વધુમાં આ એરબેઝની નજીક જ પાકિસ્તાનનો પરમાણુ ભંડાર છે.