અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ભૂટાન સહિત 41 દેશો પર પ્રવાસ પ્રતિબંધ મૂકી શકે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. રોયટર્સ અનુસાર, ટ્રમ્પ પ્રશાસન ગેરકાયદેસર ઈમિગ્રેશનને રોકવા માટે કડક કાર્યવાહી કરશે. જેથી પાકિસ્તાન સહિતના 41 દેશો પર પ્રવાસ પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે.
અમેરિકી અધિકારીના હવાલાથી રોયટર્સે કહ્યું હતું કે, આ પ્રતિબંધ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન લાદવામાં આવેલા નિયંત્રણો કરતા વધુ વ્યાપક હશે. નોંધવા જેવું છે કે, પ્રથમ કાર્યકાળ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે સાત મુસ્લિમ દેશોના પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. વધુમાં અધિકારીએ એ પણ કહ્યું હતું કે, યાદીમાં ફેરફાર અથવા તો બદલાવ પણ થઈ શકે છે.
સુરક્ષા અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ભલામણોના રિપોર્ટમાં પાકિસ્તાનને એ 26 દેશોના ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યું છે, જેમાં આંશિક સસ્પેન્શનનો સામનો કરવો પડી શકે છે. રિપોર્ટ મુજબ, જો શાહબાઝ શરીફની સરકાર ’60 દિવસની અંદર ખામીઓને દૂર કરવાનો’ પ્રયાસ કરવામાં નિષ્ફળ જાય તો, અમેરિકી વિઝા જારી કરવા પર આંશિક સસ્પેન્શનનો સામનો કરવો પડી શકે છે.