Thursday, May 15, 2025
More

    પહલગામ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ હશીમ મૂસા નીકળ્યો દુશ્મન દેશનો પૂર્વ પેરા કમાન્ડો: પાકિસ્તાનના સ્પેશિયલ સર્વિસ ગ્રૂપનો ભાગ હોવાનું આવ્યું સામે

    જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલ (Pahalgam Terrorist Attack) હુમલાને લઈને એક પછી એક ઘસ્ફોટ થઈ રહ્યા છે. તાજેતરમાં જ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ હુમલાનો માસ્ટરમાઈન્ડ હશીમ મૂસા (Hashim Musa) નામનો પાકિસ્તાની આતંકવાદી છે, જે પાકિસ્તાન આર્મીના સ્પેશિયલ ફોર્સનો પૂર્વ પેરા કમાન્ડો રહી ચૂક્યો છે.

    તપાસ એજન્સીઓએ જણાવ્યું કે હશીમ મૂસા હાલમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલો છે. તે પાકિસ્તાનના સ્પેશિયલ સર્વિસ ગ્રૂપનો (SSG) ભાગ રહી ચૂક્યો છે. કહેવાઈ રહ્યું છે કે મૂસાને પાકિસ્તાનની સ્પેશિયલ ફોર્સે LeTને આપ્યો હતો.

    5 કાશ્મીરી ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGWs)ની પૂછપરછ દરમિયાન મૂસાના સૈન્ય પૃષ્ઠભૂમિની પુષ્ટિ થઈ, જેમણે હુમલામાં સહાય કરી હતી. આ ઓજીડબલ્યુઓએ લોજિસ્ટિક્સ, રેકી અને હથિયારોની વ્યવસ્થા કરવામાં મદદ કરી હોવાનું માનવામાં આવે છે.

    નોંધનીય છે કે હુમલા બાદ જે 3 આતંકીઓના સ્કેચ બહાર પાડવામાં આવ્યા હતા હશીમ મૂસા તેમાંનો જ એક છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) 23 એપ્રિલથી હુમલાના સ્થળે તપાસ કરી રહી છે, જ્યારે ભારતીય સેના આતંકવાદીઓને નિષ્ક્રિય કરવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.