Wednesday, July 2, 2025
More

    ‘આરતી કરી તો લોહિયાળ ક્રાંતિ થશે, હું તાળું મારી દઈશ’: રાજકોટના મંદિરના સ્વયંસેવકોની ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાન પી. ટી જાડેજા સામે ફરિયાદ

    2024ની લોકસભા ચૂંટણી ટાણે ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા યોજવામાં આવેલા એક આંદોલનથી જાણીતા બનેલા અને પોતાનાં નિવેદનો માટે કાયમ ચર્ચામાં રહેતા પ્રવિણસિંહ જાડેજા ઉર્ફે પી.ટી.જાડેજા (P.T Jadeja) ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. આ વખતે જાડજેએ પર આરોપ લાગ્યા છે કે તેમણે રાજકોટના (Rajkot) એક મંદિરમાં આરતી બંધ કરવા અને એમ ન કરે તો લોહિયાળ ક્રાંતિ કરવાની ધમકી આપી છે.

    માહિતી મુજબ આ મામલે જસ્મીન મકવાણા નામની એક વ્યક્તિએ સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવવામાં આવ્યું કે દર સોમવારે મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. 21 જૂનના રોજ પણ આરતી થઈ હતી, પરંતુ તેના એક દિવસ પહેલાં પી. ટી જાડેજાએ તેમને ફોન કરીને ધમકી આપી હતી અને આરતી ન કરવા માટે કહ્યું હતું.

    ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે, પી.ટી.જાડેજાએ મહાઆરતીનું અયોજન થશે તો પોતે તલવાર સાથે મંદિરની બહાર ઉભા રહેશે અને મંદિરને તાળું મારી દેશે તેવી પણ ધમકી આપી હતી. ‘કાલે આરતી કરી તો લોહિયાળ ક્રાંતિ થશે, હું મંદિરમાં તાળું મારી દઈશ અને તું તો મંદિરમાં આવતો જ નહીં’– આવી ધમકીઓ ફોન પર આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. ઉપરાંત મંદિરમાં મહાઆરતીના આયોજન વિશે જાણ કરતાં બેનરો પણ ફાડી નાખવામાં આવ્યાં હોવાનો પણ આરોપ ફરિયાદમાં લગાવવામાં આવ્યો છે. જાડેજા અગાઉ મંદિરના ટ્રસ્ટી હતા તેવું મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે.

    મંદિર સાથે સંકળાયેલા અન્ય એક સભ્યએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પી.ટી.જાડેજાએ અમને આરતી બંધ કરવાનું કહ્યું હતું અને તેમ ન કરે તો હાથ-પગ તોડી નાખવાની ધમકી પણ આપી હતી. અમને એવું લાગે છે કે તેઓ મંદિર પર કબજો કરવા માંગે છે. તેમણે મંદિર ટ્રસ્ટના હિસાબ-કિતાબ મામલે પણ સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું કે દાનપેટીનો કોઈ હિસાબ આપવામાં આવ્યો નથી.

    ધમકી અને વાદવિવાદ બાદ મંદિરના સભ્યોએ પોલીસ પ્રશાસનને જાણ કરતાં સોમવારે પોલીસની હાજરીમાં મહાઆરતી સંપન્ન કરવામાં આવી હતી. બીજી તરફ ફરિયાદ મામલે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.