Sunday, March 30, 2025
More

    ‘પીએમ મોદી અને અન્ય નેતાઓને તંબૂઓ, દીવાલો પર ચિતરામણ અને રસ્તા પર ખાડા-ટેકરા ન દેખાય તે માટે વૉશિંગ્ટનને સ્વચ્છ કરવાનો આદેશ આપ્યો હતો’: ટ્રમ્પ

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક નિવેદન કરતાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય રાષ્ટ્રાધ્યક્ષો જ્યારે અમેરિકાના પાટનગર વૉશિંગ્ટનની મુલાકાત લે તો રસ્તા પર ગંદકી, આડેધડ તાણી બાંધેલા તંબૂઓ અને તૂટેલાં બેરિયર, ખાડા-ટેકરા ન દેખાય તે માટે તેમણે શહેરને સ્વચ્છ કરવાનો આદેશ આપ્યો હતો. 

    ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસમાં એક સંબોધન દરમિયાન ટ્રમ્પે કહ્યું, “જ્યારે ભારતના વડાપ્રધાન મોદી આવ્યા, ફ્રાન્સના રાષ્ટ્રપતિ, યુકેના વડાપ્રધાન…આ બધા નેતાઓએ મારી મુલાકાત લીધી…જ્યારે તેઓ આવવાના હતા તો અમે રૂટ પ્લાન કર્યો હતો. હું નહતો ઈચ્છતો કે તેઓ આ તંબૂઓ જુએ. ગ્રેફિટી જુએ. હું ઇચ્છતો ન હતો કે તેઓ તૂટેલાં બેરિયરો અને રસ્તા પરના ખાડા જુએ. આપણે શહેરને સુંદર બનાવવું પડ્યું હતું.”

    વાસ્તવમાં ટ્રમ્પે હાલ પાટનગર વૉશિંગ્ટન ડીસીને સ્વચ્છ અને ક્રાઇમ-ફ્રી બનાવવાનું અભિયાન હાથ પર લીધું છે.

    તેમણે કહ્યું, “આપણે પાટનગરને સ્વચ્છ બનાવવું પડશે. હાલ આપણે આ દિશામાં કામ કરી રહ્યા છીએ. તંબૂઓ હટાવીશું, ગ્રેફિટી હટાવવા જઈ રહ્યા છીએ. હાલ આ બાબતે પ્રશાસન સાથે કામ ચાલી રહ્યું છે.”

    નોંધવું જોઈએ કે ગત મહિને પીએમ મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વ્હાઈટ હાઉસ ખાતે મુલાકાત લીધી હતી.