બોર્ડર સિક્યુરિટી ફોર્સે (BSF) ઑપરેશન સિંદૂરનો (Operation Sindoor) એક વિડીયો (Video) બહાર પાડ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં આતંકવાદી લોન્ચપેડને (Terrorist Launchpads in pakistan) નિશાન બનાવીને કેવી રીતે સફળ હુમલા કરવામાં આવ્યા હતા. આ લોન્ચપેડનો ઉપયોગ ભારતીય ક્ષેત્રમાં આતંકવાદીઓને ઘુસણખોરી કરવા માટે થવાનો હતો, પરંતુ ભારતીય સુરક્ષા દળોએ તેને નિષ્ફળ બનાવ્યું.
વિડીયોમાં, આતંકવાદી લોન્ચપેડ કેવી રીતે નષ્ટ થઈ રહ્યા છે તે જોઈ શકાય છે. વિસ્ફોટોની ઘણી અલગ અલગ ક્લિપ્સ ઉમેરવામાં આવી છે. આમાં, સૈનિકો લોન્ચપેડ પર ગોળા ફેંકી રહ્યા છે. જે સીધા લક્ષ્ય પર જાય છે અને પછી ફક્ત ધુમાડાના વાદળ છવાઈ જાય છે. વિડીયોમાં પાકિસ્તાની સેનાની ચોકીઓનો પણ નાશ થતો જોવા મળી રહ્યો છે.
આ પહેલા મંગળવારે (27 મે 2025) આઈજી જમ્મુ શશાંક આનંદે જણાવ્યું હતું કે ઑપરેશન સિંદૂર દરમિયાન, બીએસએફે 70થી વધુ પાકિસ્તાની ચોકીઓ અને લોન્ચપેડને નુકસાન પહોંચાડ્યું છે. બીએસએફે અખનૂર, સાંબા અને આરએસપુરા સેક્ટરમાં લોની, મસ્તપુર અને છાબડા સહિત અનેક આતંકવાદી લોન્ચપેડનો નાશ કર્યો છે.
આઈજી આનંદે વધુમાં જણાવ્યું હતું કે બીએસએફે પાકિસ્તાની ગોળીબારમાં માર્યા ગયેલા શહીદોના નામ પર સરહદી ચોકીઓનું નામ બદલવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે અને સાંબા પોસ્ટને હવે ‘સિંદૂર પોસ્ટ’ કહેવામાં આવશે.