Thursday, April 24, 2025
More

    ‘તિરુમાલા મંદિરમાં માત્ર હિંદુઓ જ કામ કરશે’: આંધ્રપ્રદેશ સીએમ ચંદ્રબાબુ નાયડુ

    આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં એક નિવેદન આપતાં કહ્યું કે તિરુમાલા મંદિરે માત્ર હિંદુઓ જ કામ કરતા હોવા જોઈએ. 

    શુક્રવારે (21 માર્ચ) તેમણે આ નિવેદન આપ્યું હતું અને ઉમેર્યું હતું કે હાલ અન્ય પંથ-મઝહબોના જે લોકો મંદિરમાં કામ કરી રહ્યા છે તેમને તેમની ભાવનાઓનું સન્માન કરીને અન્યત્ર ખસેડી દેવામાં આવશે.

    ગત મહિને જ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે બોર્ડ સંચાલિત વિવિધ સંસ્થાઓમાં કામ કરતા કુલ 18 કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. કારણ એ હતું કે તેઓ હિંદુ રીતરિવાજો પાળતા હોવાની બાંહેધરી આપી હોવા છતાં ખ્રિસ્તી પરંપરા અનુસરી રહ્યા હતા. જોકે આમાંથી મુખ્ય મંદિરમાં કોઈ કામ કરતું ન હતું, ટ્રસ્ટની બાકીની સંસ્થાઓમાં હતા. આ તમામે ભગવાન સામે એ પ્રતિજ્ઞા પણ લીધી હતી કે પોતે હિંદુ ધર્મ પાળી રહ્યા છે, પણ પછીથી અન્ય પંથની પ્રવૃત્તિઓમાં જોડાયા હતા. 

    2018ના એક રિપોર્ટ અનુસાર TTDની સંસ્થાઓમાં કુલ 44 અન્ય ધર્મ-પંથના કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. નવેમ્બર 2024માં થયેલી એક બેઠકમાં જણાવાયું હતું કે મંદિર અને અન્ય સંસ્થાઓમાં જે બિનહિંદુઓ કામ કરે છે તેની જાણ સરકારને કરવામાં આવે.