ગુજરાત ATSએ ભારતીય સુરક્ષા એજન્સીઓની જાસૂસી કરવા બદલ ઓખાથી એક ઈસમની ધરપકડ કરી છે. ખાનગી કંપનીનમાં નોકરી કરતા આ શખ્સે પાકિસ્તાનમાં બેઠેલા તેના હેન્ડલરને સોશિયલ મીડિયા થકી માહિતી પહોંચાડી હોવાની આશંકા છે, જે મામલે હાલ તપાસ ચાલી રહી છે.
આરોપીની ઓળખ દીપેશ ગોહેલ તરીકે થઈ છે. તેણે પાકિસ્તાની ઓપરેટિવ્સને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને મેરીટાઈમ બોર્ડને લગતી ઘણી સંવેદનશીલ માહિતી પહોંચાડી હોવાનું સામે આવી રહ્યું છે.
તેણે ત્રણ વર્ષ સુધી ઓખા જેટ્ટી નજીક કામ કર્યું હતું. સાત મહિના પહેલાં તેને ફેસબુક પર એક ‘સાહિમા’ નામના હેન્ડલ પરથી રિક્વેસ્ટ આવી હતી. ત્યારબાદ બંનેએ નંબરની આપલે કરી હતી. ‘સાહિમા’ અકાઉન્ટના હેન્ડલરે પોતે પાકિસ્તાની નેવીમાં નોકરી કરે છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ ઓખા જેટ્ટી પર કોસ્ટગાર્ડ શિપની મુવમેન્ટ અને અન્ય વિગતો કઢાવી લીધી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, દીપેશ માત્ર રોજના ₹200ની લાલચે આ કામ કરતો હતો. બંને વચ્ચે છેલ્લા સાત મહિનામાં ₹42,000ના નાણાકીય વ્યવહાર થયા હોવાનું તપાસમાં ખુલ્યું છે. તેની સામે BNSની કલમ 61 અને 148 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.