Monday, July 14, 2025
More

    રથયાત્રામાં ભાગદોડની ઘટનામાં ત્રણનાં મોત બાદ સીએમ માઝીએ માફી માંગી, DM-SPની બદલી, 2 અધિકારીઓ સસ્પેન્ડ

    જગન્નાથજીની રથયાત્રા દરમિયાન શ્રીગુંડીચા મંદિર પાસે ભાગદોડ મચવાથી ત્રણ લોકોનાં મોત થયા બાદ આ મામલે ઓડિશા સરકારે કાર્યવાહી કરીને અમુક અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે તો અમુકને બદલી કરી દીધી છે. બીજી તરફ મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ ઘટના બદલ જગન્નાથજી અને ભક્તોની માફી માંગી છે. 

    સીએમ માઝીએ એક પોસ્ટ કરીને કહ્યું કે, ભક્તોમાં મહાપ્રભુનો દર્શન કરવાનો ઉત્સાહ ઘણો હતો અને એવામાં દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટતાં આ સ્થિતિ સર્જાઈ. હું અંગત રીતે અને સરકાર તરફથી તમામ જગન્નાથ ભક્તોની માફી માંગું છું. ઘટનામાં જીવ ગુમાવનારા ભક્તોના પરિજનોને સાંત્વના પાઠવું છું. તેમના આત્માની સદ્ગતિ માટે મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના.”

    તેમણે ઉમેર્યું કે, “આ બેદરકારી અક્ષમ્ય છે. આ મામલે તાત્કાલિક તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે અને જેઓ પણ જવાબદાર હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે તમામ આવશ્યક પગલાં લેવામાં આવે તે માટે મેં નિર્દેશો આપ્યા છે.”

    ઘટના મામલે સરકારે DM અને એએસપીની બદલી કરી દીધી છે. તેમના સ્થાને નવા અધિકારીઓ ચાર્જ સંભાળશે. ઉપરાંત બે અધિકારીઓને સસ્પેન્ડ પણ કરી દેવાયા છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.