હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હેટ્રિક બાદ હવે સરકાર રચવાની તૈયારીઓ ચાલી રહી છે. જાણવા મળ્યા અનુસાર, 17 ઑક્ટોબરના રોજ નવી સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાઈ શકે છે.
હરિયાણા સરકારના મુખ્ય સચિવ દ્વારા એક દસ સભ્યોની સમિતિ નીમવામાં આવી છે, જેની ઉપર શપથગ્રહણ સમારોહ યોજવાની જવાબદારી છે. આ સમિતિની અધ્યક્ષતા પંચકુલા ડેપ્યુટી કમિશનર કરશે.
મુખ્યમંત્રી નાયબ સિંઘ સૈની જ ફરી એક વખત હરિયાણાની કમાન સંભાળશે તેવી શક્યતાઓ છે. વિધાનસભા ચૂંટણી ભારતીય જનતા પાર્ટી તેમના જ ચહેરા પર લડી હતી. જેથી તેઓ જ ફરી મુખ્યમંત્રી બનશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ભાજપ ધારાસભ્યોની બેઠકમાં નેતા ચૂંટાયા બાદ આ બાબતની ઔપચારિક જાહેરાત થશે.
મીડિયા અહેવાલો અનુસાર, નાયબ સિંઘ સૈની સાથે અમુક મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. જોકે તેમનાં નામો સામે આવી શક્યાં નથી.
આ સિવાય, કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી શાહ, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ભાગ લઈ શકે છે. જોકે, PM મોદીના આગમનને લઈને PMO પાસેથી કન્ફર્મેશનની રાહ જોવામાં આવી રહી છે.