મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની જીત બાદ હવે સરકાર બનાવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ગુરુવારે (5 ડિસેમ્બર) ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદના અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદે અને NCP ચીફ અજિત પવાર ઉપમુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. જાણવા મળ્યા અનુસાર, તેમની સાથે મંત્રીઓ પણ શપથ લેશે.
શપથગ્રહણ સમારોહ મુંબઈના આઝાદ મેદાન ખાતે સાંજે પાંચ વાગ્યે યોજાનાર છે, જે માટે તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. આ સિવાય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે. પી નડ્ડા, NDAશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આંધ્ર સીએમ ચંદ્રબાબુ પણ શપથગ્રહણમાં હાજરી આપશે.
આ સિવાય સાધુ-સંતોને પણ મોટી સંખ્યામાં નિમંત્રણ આપવામાં આવ્યું છે. ઉપરાંત, શિક્ષણ-સાહિત્ય અને કલાજગતની હસ્તીઓને પણ આમંત્રણ છે. લાડલી બહેના યોજનાની 1000 લાભાર્થી મહિલાઓ અને અન્ય યોજનાના લાભાર્થીઓ પણ કાર્યક્રમનો હિસ્સો બનશે. તે સિવાય મોટી સંખ્યામાં ત્રણેય પાર્ટીના કાર્યકર્તાઓ આવશે.