મિડલ ઈસ્ટમાં ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા નાટકીય સંઘર્ષમાં અમેરિકાએ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. પરંતુ ઇરાને યુદ્ધવિરામના નિર્ણયનો અસ્વીકાર કરતા હુમલો ચાલુ રાખ્યો હતો. જેના જવાબમાં ઈઝરાયેલે પણ વળતો હુમલો કરતા હવે અમેરિકા નારાજ થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ બાબતે ઇઝરાયેલના પીએમ નેતાન્યાહુને ફોન કરી હુમલાઓ રોકવા કહ્યું હતું.
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા ટ્રુથ પર પોસ્ટ કરી જાહેરાત કરી હતી કે, બંને દેશો યુદ્ધવિરામ માટે સહમત થઈ ગયા છે. પરંતુ યુદ્ધવિરામની ઘોષણા કરી એના થોડાક જ કલાકોમાં બંને દેશોએ ફરી એકબીજા પર મિસાઈલ હુમલાઓ શરૂ કરતા ટ્રમ્પની યુદ્ધવિરામની જાહેરાતનો ફિયાસ્કો થયો હતો. જોકે, ઈરાને પહેલાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે, તેણે સીઝફાયરના નિર્ણયને સ્વીકાર્યો નથી. બાદમાં જોકે, તેણે સ્વીકાર પણ કર્યો હતો.
ત્યારે હવે ઈરાનના હુમલાં બાદ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુએ પણ ટ્રમ્પની વાતને અવગણતા ઈરાન પર હુમલાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીથી નાખુશ ડોનાલ્ડ ટ્રમ્પે નેતાન્યાહુને ફોન કરી ઈરાન પર હુમલા રોકવા માટે કહ્યું હતું. ટ્રમ્પે સોશિયલ મીડિયા ટ્રુથ પર લખ્યું કે, “ઇઝરાયલ, ઈરાન પર બોમ્બમારો ન કરે. જો તમે એમ કરશો તો આ સીઝફાયરનું ઉલ્લંઘન હશે. તમારા પાયલોટ્સને પાછા બોલાવો,” જેના જવાબમાં ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુએ કહ્યું કે, તેઓ હુમલો નહિ રોકી શકે. કારણ કે ઇરાને યુદ્ધવિરામ ઉલ્લંઘન કર્યું છે અને તેને જવાબ આપવો જરૂરી છે.