Saturday, January 11, 2025
More

    ‘બેટ દ્વારકા કરોડો લોકોની આસ્થાની ભૂમિ, કૃષ્ણભૂમિમાં નહીં થવા દઈએ અતિક્રમણ’: બુલડોઝર કાર્યવાહી બાદ હર્ષ સંઘવીનું નિવેદન

    દેવભૂમિ દ્વારકા અને બેટ દ્વારકામાં (Beyt Dwarka) ગુજરાત સરકારે ફરી એક વખત બુલડોઝર કાર્યવાહી (Bulldozer Action) હાથ ધરી છે. આ કાર્યવાહી વચ્ચે જ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) સોશિયલ મીડિયા પર કાર્યવાહીના ફોટા અને વિડીયો શૅર કર્યા છે. સાથે તેમણે આશ્વાસન પણ આપ્યું છે કે, સરકાર ક્યારેય પણ કૃષણભૂમિ પર અતિક્રમણ નહીં થવા દે.

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પલેફોર્મ X પર પોસ્ટ કરીને કાર્યવાહી વિશેની માહિતી આપી છે. તેમણે બુલડોઝર કાર્યવાહીના ફોટા અને વિડીયો પણ પોસ્ટ કર્યા છે. પરંતુ સાથે તેમણે કેપશનમાં મહત્વપૂર્ણ સંદેશો પણ આપ્યો છે. તેમણે કેપશનમાં હિન્દી ભાષામાં લખ્યું છે કે, “બેટ દ્વારકા કરોડો લોકોની આસ્થાની ભૂમિ છે. કૃષ્ણભૂમિમાં કોઈપણ ગેરકાયદેસર અતિક્રમણને નહીં થવા દઈએ.”

    તેમણે વધુમાં લખ્યું છે કે, “આપણી આસ્થા અને સંસ્કૃતિની રક્ષા કરવી એ આપણી જવાબદારી છે.” સાથે તેમણે એવું પણ લખ્યું છે કે, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ગેરકાયદેસર અતિક્રમણ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. નોંધનીય છે કે, શનિવારે (11 જાન્યુઆરી) દ્વારકા અને બેટ દ્વારકામાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    દરિયા કિનારે અને આસપાસના વિસ્તારોમાં ઊભા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામોને જમીનદોસ્ત કરવા માટે ગુજરાત સરકારે ફરી એક વખત બુલડોઝર રમતા મૂક્યા હતા. માહિતી અનુસાર, આ કાર્યવાહીમાં 40થી 50 ગેરકાયદેસર રહેણાંક-કમર્શિયલ બાંધકાનો ધ્વસ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ધાર્મિક-મઝહબી બાંધકામોને પણ જમીનદોસ્ત કરવામાં આવ્યા છે.