Monday, January 13, 2025
More

    ‘આ કોઈ નવો વાયરસ નથી, સ્થિતિ પર સરકારની નજર’: HMPVના ભય વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાનું નિવેદન, કહ્યું- ડરવાની નથી કોઈ જરૂર

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી (Union Health Minister) જેપી નડ્ડાએ (JP Nadda) HMPV વાયરસને (Virus) લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, આ વાયરસથી કોઈએ ડરવાની સહેજ પણ જરૂર નથી અને આ વાયરસની સ્થિતિ પર સરકાર સંપૂર્ણ નજર રાખી રહી છે. તેમણે કહ્યું છે કે, આ કોઈ નવો વાયરસ નથી અને તેની ઓળખ પ્રથમ વાર 2001માં થઈ હતી. તેમણે કહ્યું કે, સરકાર જરૂરી તમામ પગલાં લેવા માટે તૈયાર છે.

    નોંધવા જેવું છે કે, ચીનમાં જોવા મળી રહેલા આ વાયરસની ભારતમાં પણ ઓળખ કરવામાં આવી છે. જ્યાં કર્ણાટક, કોલકાતા અને ગુજરાતમાં તેનાથી સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ વાયરસના ભય વચ્ચે નિષ્ણાંતોને ટાંકીને કહ્યું છે કે, HMPV ઘણા વર્ષોથી આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. તે શ્વાસ અને હવા દ્વારા ફેલાય છે. હાલ સરકાર તમામ સ્થિતિ પર નજર રાખી રહી છે.

    તેમણે નિવેદનમાં કહ્યું કે, “સ્થિતિની સમીક્ષા માટે 4 જાન્યુઆરીના રોજ સ્વાસ્થ્ય સેવાઓના મહાનિદેશકની અધ્યક્ષતામાં સંયુક્ત નિરીક્ષણ ગ્રુપની બેઠક થઈ હતી. દેશની આરોગ્ય વ્યવસ્થા અને નિરીક્ષણ નેટવર્ક સતર્ક છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમે સ્થિતિ પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા છીએ.”