Friday, December 6, 2024
More

    બ્રિટનના વડાપ્રધાનનું કારસ્તાન: દિવાળી પાર્ટીમાં પીરસાયાં માંસ-મદિરા, હિંદુઓએ વાંધો ઉઠાવ્યો

    બ્રિટનના નવા વડાપ્રધાન કિઅર સ્ટાર્મરે (Keir Starmer) તાજેતરમાં પોતાના અધિકારિક નિવાસસ્થાને એક દિવાળી પાર્ટી (Diwali Party) યોજી હતી, જે પછીથી વિવાદોમાં આવી ગઈ. કારણ એ હતું કે પાર્ટીમાં નોનવેજ ડિશ અને લિકર પીરસવામાં આવ્યાં હતાં.

    તાજેતરના 10 ડાઉનિંગ સ્ટ્રીટ (બ્રિટિશ PMનું સત્તાવાર નિવાસસ્થાન) ખાતે દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક રાજકારણીઓ, મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું. કાર્યક્રમમાં કુચીપુડી નૃત્યનું પણ આયોજન હતું અને સ્ટાર્મરે એક ભાષણ પણ કર્યું હતું. 

    જોકે, કાર્યક્રમને લઈને અમુક બ્રિટિશ હિંદુઓએ વાંધો ઉઠાવ્યો, જ્યારે તેમને જાણવા મળ્યું કે ડિનર મેનુમાં લિકર અને નોનવેજ ડિશ પણ સામેલ હતાં. તેમણે વડાપ્રધાન કાર્યાલય પર ગંભીરતા ન દાખવવાના અને યોગ્ય પરામર્શનો અભાવ હોવાના આરોપ લગાવ્યા. 

    દિવાળી જેવા પવિત્ર હિંદુ તહેવાર પર યોજાયેલી પાર્ટીમાં આ રીતે માંસ-મદિરા વહેંચાતા બ્રિટિશ પીએમ વિવાદોમાં ઘેરાઈ ચૂક્યા છે અને ટીકા થઈ રહી છે. 

    ખાસ નોંધવાનું એ રહે કે ઋષિ સુનક જ્યારે વડાપ્રધાન હતા ત્યારે પણ દિવાળી પાર્ટી યોજાતી હતી, પણ ક્યારેય પણ આ પ્રકારે માંસાહાર કે મદિરાને સ્થાન આપવામાં આવતું ન હતું.