Saturday, April 12, 2025
More

    10,000 વર્ષ પહેલાં લુપ્ત થયેલા ‘ડાયર વોલ્ફ’ને કરાયા પુનર્જીવિત: અમેરિકાની કંપનીએ હજારો વર્ષ જૂના અવશેષોમાંથી મળેલા DNAમાંથી ફરી આપ્યું જીવન

    અમેરિકાની ડલાસ સ્થિત બાયોટેક કંપની કોલોસલ બાયોસાયન્સિસે (Colossal Biosciences) એક અદ્ભુત વૈજ્ઞાનિક સિદ્ધિ હાંસલ કરી છે. આ કંપનીએ લગભગ 10,000-12,000 વર્ષ પહેલાં વિલુપ્ત થઈ ગયેલી ડાયર વોલ્ફ (Dire Wolf) પ્રજાતિને પુનર્જન્મ આપ્યો હોવાનો દાવો કર્યો છે. કંપનીએ સોશિયલ મીડિયા પર આ જંગલી વરુના બચ્ચાઓના ફોટા અને વિડીયો પણ શેર કર્યા હતા.

    8 એપ્રિલ, 2025ના રોજ જાહેર કરાયેલા આ સમાચાર મુજબ, કંપનીએ પ્રાચીન DNA અને અદ્યતન જીન એડિટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ત્રણ બચ્ચાં—રોમ્યુલસ, રેમસ અને ખલીસી—પેદા કર્યા છે. આ ઘટના ડી-એક્સટિંક્શન (વિલુપ્ત પ્રજાતિનું પુનર્જનન) ક્ષેત્રે ઐતિહાસિક પગલું માનવામાં આવે છે.

    આ અંગે કંપનીએ પોસ્ટ કરીને વિસ્તૃત માહિતી આપી હતી. પોસ્ટમાં લખ્યું હતું કે, “10,000 વર્ષથી વધુ સમયમાં પહેલી વાર તમે કોઈ જંગલી વરુનો કિકિયારી સાંભળી રહ્યા છો.” માહિતી અનુસાર 1 ઓક્ટોબર, 2024ના રોજ વિશ્વના પ્રથમ લુપ્ત પ્રાણીઓ રોમ્યુલસ અને રેમસનો જન્મ થયો હતો.

    પોસ્ટમાં વધુમાં લખ્યું હતું કે, “જંગલી વરુ 10,000 વર્ષથી વધુ સમયથી લુપ્ત થઈ ગયું છે. 11,500 અને 72,000 વર્ષ પહેલાંના અવશેષોમાં મળેલા પ્રાચીન DNAમાંથી કોલોસલ કાળજીપૂર્વક પુન:ર્નિર્માણ કરીને આ બે વરુઓને લુપ્ત થઈ ગયેલા પ્રાણીમાંથી પરત લાવ્યું છે.”

    કહેવાઈ રહ્યું છે કે ડાયર વોલ્ફ પ્લેઇસ્ટોસીન યુગનું એક શક્તિશાળી શિકારી પ્રાણી હતું, જે આજના ગ્રે વોલ્ફ કરતાં મોટું અને મજબૂત હતું. તેનું વજન 68 કિલો સુધી હતું અને તે મોટા પ્રાણીઓ જેવા કે ઘોડા અને ગ્રાઉન્ડ સ્લોથનો શિકાર કરતું હતું. આબોહવા પરિવર્તન અને મેગાફૉનાના અંતને કારણે તે 10,000 વર્ષ પહેલાં લુપ્ત થઈ ગયું હતું.

    કંપનીના સીઈઓ બેન લેમે જણાવ્યું, “અમારી ટીમે આઇસ એજના અવશેષોમાંથી ડીએનએ લઈને સ્વસ્થ ડાયર વોલ્ફ બચ્ચાં ઉત્પન્ન કર્યા છે.” આ પ્રક્રિયામાં CRISPR ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રે વોલ્ફના ડીએનએને સંપાદિત કરવામાં આવ્યો અને સરોગેટ તરીકે કૂતરાઓનો ઉપયોગ થયો હતો. પરંતુ કેટલાક વૈજ્ઞાનિકો આને સંપૂર્ણ ડાયર વોલ્ફ નહીં, પણ ગ્રે વોલ્ફનું સંકર સ્વરૂપ ગણાવે છે.

    કંપનીએ રદ વોલ્ફના બે સંતાનો પણ ક્લોન કર્યા છે. આ ટેકનોલોજી ભવિષ્યમાં વૂલી મેમથ અને ડોડો જેવી પ્રજાતિઓને પાછી લાવવાની યોજના ધરાવે છે. જોકે, આ પ્રયોગ પર્યાવરણીય અને નૈતિક સવાલો પણ ઉભા કરે છે.