Tuesday, July 15, 2025
More

    હવે ₹3000માં એક વર્ષ માટે મળશે ફાસ્ટેગ, 15 ઑગસ્ટથી શરૂ કરાશે પાસ: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ઘોષણા

    કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ફાસ્ટેગને લઈને અગત્યની ઘોષણા કરી છે. તેમણે જણાવ્યું કે હવે સરકાર ફાસ્ટેગ માટે એક વાર્ષિક પાસ ઇસ્યુ કરશે. જેનો એક વર્ષનો શુલ્ક ₹3,000 હશે. કેન્દ્રીય મંત્રીએ X પર આ ઘોષણા કરી. 

    તેમણે જણાવ્યું કે, સુગમ હાઇવે યાતાયાત તરફ એક પરિવર્તનકારી પહેલના ભાગરૂપે અમે 15 ઑગસ્ટ, 2025થી ફાસ્ટેગ-બેઝ્ડ વાર્ષિક પાસ લાવી રહ્યા છીએ, જેનો શુલ્ક ₹3000 હશે. તેની વૈધતા ઇસ્યુ થયાના એક વર્ષ સુધી કે 200 ટ્રીપ સુધી (બેમાંથી જે પહેલાં આવે) હશે. તેમણે સ્પષ્ટતા કરી કે આ પાસ માત્ર કાર, જીપ અને વાન જેવાં નોન-કમર્શિયલ વાહનો માટે જ હશે. 

    તેમણે ઉમેર્યું કે, આ એન્યુઅલ પાસ દેશભરના નેશનલ હાઇવે પર કામ કરશે. તેના એક્ટિવેશન અને રિન્યુઅલ માટે એક અલગ લિંક રાજમાર્ગ યાત્રા એપ અને NHAI તેમજ મંત્રાલયની વેબસાઈટ ઉપર પણ બહુ જલ્દીથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

    નીતિન ગડકરીએ જણાવ્યું કે, આ નીતિ 60 કિલોમીટરની સીમામાં આવેલાં ટોલ પ્લાઝા મામલે જોવા મળતી સમસ્યાઓના સમાધાનના ભાગરૂપે લાવવામાં આવી છે અને તેનાથી સિંગલ અને એફોર્ડેબલ ટ્રાન્ઝેક્શન થકી ટોલ પેમેન્ટ સરળ બનશે. તેનાથી પ્રતીક્ષા સમયમાં પણ ઘટાડો થશે અને ભીડ પણ ઘટાડીને લાખો વાહનચાલકો માટે હાઇવે યાત્રા સુગમ અને સરળ બનશે.