Friday, March 14, 2025
More

    ‘આ માનસિકતા ખતરનાક’: ₹નું ચિહ્ન હટાવનાર તમિલનાડુની DMK સરકારને નાણામંત્રીએ લગાવી ફટકાર

    તમિલનાડુમાં (Tamil Nadu) ભાષાકીય વિવાદ વધી રહ્યો છે. તાજેતરમાં DMKના નેતૃત્વ હેઠળની એમકે સ્ટાલિન સરકારે વર્ષ 2025-26ના બેજટમાંથી રૂપિયાનો સત્તાવાર સિમ્બોલ ‘₹’ દૂર કરી દીધો હતો, જેનાથી વિવાદ સર્જાઈ રહ્યો છે. ભાજપ સહિતના નેતાઓ સ્ટાલિન સરકારનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) પણ DMKને ફટકાર લગાવી છે.

    નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “ડીએમકે સરકારે તમિલનાડુના આવતીકાલે રજૂ થનારા બજેટ 2025-26ના દસ્તાવેજોમાંથી સત્તાવાર રૂપિયાનું પ્રતીક ‘₹’ દૂર કરી દીધું હોવાના અહેવાલ છે. જો ડીએમકેને ‘₹’ સાથે સમસ્યા હોય તો પછી 2010માં જ્યારે ચિહ્ન સત્તાવાર રીતે રજૂ કરવામાં આવ્યું ત્યારે તેણે તેનો વિરોધ કેમ ન કર્યો? જ્યારે તેનો સત્તાવાર રીતે કોંગ્રેસની આગેવાની હેઠળની UPA સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો ત્યારે DMK કેન્દ્રમાં કયા શાસક ગઠબંધનનો ભાગ હતો?”

    તેમણે DMKના પૂર્વ ધારાસભ્યનો ઉલ્લેખ કરતા લખ્યું કે, “વિડંબના એ છે કે ‘₹’ DMKના ભૂતપૂર્વ ધારાસભ્ય એન. ધર્મલિંગમના પુત્ર ટી.ડી. ઉદય કુમાર દ્વારા ડિઝાઇન કરાયેલ છે. હવે તેને ભૂંસી નાખીને DMK પક્ષ ન માત્ર એક રાષ્ટ્રીય પ્રતીકને નકારી રહ્યો છે, પરંતુ એક તમિલ યુવાનના સર્જનાત્મક યોગદાનને પણ સંપૂર્ણપણે અવગણી રહ્યો છે.”

    તેમણે અન્ય દેશોમાં પણ તેમના ચલણનો રૂપિયા તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે એવો ઉલ્લેખ પણ તેમની પોસ્ટમાં કર્યો હતો. વધુમાં તેમણે લખ્યું હતું કે, “રૂપિયાનું પ્રતીક ‘₹’ આંતરરાષ્ટ્રીય સ્તરે સારી રીતે ઓળખાય છે અને વૈશ્વિક નાણાકીય વ્યવહારોમાં ભારતની દૃશ્યમાન ઓળખ તરીકે કાર્ય કરે છે. જ્યારે ભારત UPIનો ઉપયોગ કરીને સીમા પાર નાણાકીય વ્યવહાર માટે પ્રોત્સાહન આપી રહ્યું છે, ત્યારે શું આપણે ખરેખર આપણા પોતાના રાષ્ટ્રીય ચલણ પ્રતીકને ઓછુ આંકવું જોઈએ?”

    તેમણે રાજ્યના બજેટ દસ્તાવેજોમાંથી ‘₹’ જેવા રાષ્ટ્રીય પ્રતીકને દૂર કરવાના કૃત્યને બંધારણ હેઠળ લીધેલી શપથની વિરુદ્ધ ગણાવ્યું હતું. તેમણે લખ્યું હતું કે, “આ ફક્ત પ્રતીકવાદ કરતાં વધુ છે – તે એક ખતરનાક માનસિકતાનો સંકેત આપે છે જે ભારતીય એકતાને નબળી પાડે છે અને પ્રાદેશિક ગૌરવના બહાના હેઠળ અલગતાવાદી લાગણીઓને પ્રોત્સાહન આપે છે.”