Thursday, March 20, 2025
More

    બજેટ 2025: સતત આઠમી વખત બજેટ રજૂ કરીને નાણામંત્રી નિર્મલા સીતારમણે બનાવ્યો રેકોર્ડ

    1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમન (Nirmala Sitharaman) સતત આઠમી વખત બજેટ રજૂ કરી રહ્યાં છે. આ સાથે જ સીતારમણે એક જ વડાપ્રધાનના કાર્યકાળ હેઠળ સતત આઠમી વખત બજેટ (Budget) રજૂ કરવાનો રેકોર્ડ બનાવી દીધો છે. જોકે 10 વખત બજેટ રજૂ કરીને સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ભૂતપૂર્વ વડાપ્રધાન અને નાણામંત્રી મોરારજી દેસાઈના નામે છે.

    નોંધનીય છે કે આ પહેલાં મોરારજી દેસાઈએ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની સરકારમાં 1959-1964 સુધી સતત 6 બજેટ અને અને 1967-1969 વચ્ચે 4 બજેટ રજૂ કર્યાં હતાં. આ સિવાય અલગ-અલગ પ્રધાનમંત્રીઓના સમયગાળામાં સૌથી વધુ બજેટ રજૂ કરવાના રેકોર્ડમાં અન્ય 2 નામ પણ સામેલ છે.

    જેમાં પી ચિદમ્બરમે પૂર્વ વડાપ્રધાન એચ.ડી દેવગોડાના કાર્યકાળમાં 1996માં 1, મનમોહન સિંઘની સરકાર 2004-09માં 6 અને તથા 2013-14માં બીજાં 2 એમ કુલ 9 બજેટ રજૂ કર્યાં હતાં. આ સિવાય પ્રણવ મુખર્જીએ અલગ-અલગ પ્રધાનમંત્રીના કાર્યકાળમાં 8 બજેટ રજૂ કર્યાં હતાં.

    નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળમાં સતત સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કર્યો છે. 2019માં મોદી સરકાર ફરીથી સત્તામાં આવ્યા બાદ સીતારમણને નાણામંત્રી નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. 2024ની સરકારમાં પણ આ જવાબદારી તેમની પાસે જ છે. 2024માં લોકસભા ચૂંટણીના કારણે તેમણે વચગાળાનું અને પૂર્ણ એમ બે બજેટ રજૂ કર્યાં હતાં. જેના કારણે છ વર્ષમાં આંકડો 8 પર પહોંચ્યો છે.