Wednesday, April 9, 2025
More

    26/11 આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણાને પ્રત્યાર્પણ બાદ આજે લવાશે ભારત: મુંબઈ-દિલ્હીમાં તૈયાર થઈ રહી છે વિશેષ જેલ

    મુંબઈ આતંકવાદી હુમલાના (26/11 Mumbai Attack) માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તૈયબાના સહયોગી તહવ્વુર હુસૈન રાણાનું (Tahawwur Rana) આજે એટલે કે 9 એપ્રિલ, 2025ના રોજ ભારત પ્રત્યાર્પણ કરવામાં આવી રહ્યું છે. રાણાને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની (NIA) કડક દેખરેખ હેઠળ ભારત લાવવામાં આવશે અને શરૂઆતના થોડા અઠવાડિયા સુધી NIA કસ્ટડીમાં રહેશે.

    આ માટે દિલ્હી અને મુંબઈની બે જેલોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થા અમેરિકન કોર્ટની સલાહ મુજબ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે.

    રાણાએ અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં 2 વાર તેનું ભારત પ્રત્યાર્પણ રોકવા અરજી કરી હતી જે કોર્ટે ફગાવી દેતા તેનું ભારત પ્રત્યાર્પણ થઈ રહ્યું છે. નોંધનીય છે કે NIAએ 2011માં તેની સામે ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં તેને 26/11 મુંબઈ હુમલાના આયોજન અને સહાયનો આરોપી ગણવામાં આવ્યો છે. NIA તેની પૂછપરછ કરશે જેથી હુમલા સાથે જોડાયેલી વધુ માહિતી અને તેના સહયોગીઓ વિશે ખુલાસો થઈ શકે.

    તહવ્વુરરાણા 26/11 હુમલાના માસ્ટરમાઈન્ડમાનો એક છે, તેણે આતંકવાદી ડેવિડ કોલમેન હેડલી (જેને દાઉદ ગિલાની તરીકે પણ ઓળખવામાં આવે છે) માટે પાસપોર્ટની વ્યવસ્થા કરી હતી જેથી તે ભારતમાં પ્રવેશી શકે અને મુંબઈ હુમલા માટે લક્ષ્યો પસંદ કરી શકે. 26/11 હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા અને તે ભારતના સૌથી ઘાતક આતંકી હુમલાઓમાંનો એક હતો.