Thursday, July 10, 2025
More

    NIAની ટીમ પહોંચી અમદાવાદ પ્લેન ક્રેશના સ્થળે, બ્લેક બોક્સ શોધવાનું કામ સતત ચાલુ

    અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થઈ ગયા બાદ હવે રાહત-બચાવકાર્ય અને તપાસ ચાલી રહ્યાં છે. દરમ્યાન શુક્રવારે (13 જૂન) નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની (NIA) એક ટીમ પણ અમદાવાદ (Ahmedabad) પહોંચી. બીજી તરફ વિમાનનું બ્લેક બૉક્સ (Black Box) શોધવાનું કામ પણ સતત ચાલી રહ્યું છે. 

    આ સિવાય કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ આવતા એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા પણ ઔપચારિક રીતે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બ્યુરો આ ઘટનાની તલસ્પર્શી તપાસ કરીને તેની પાછળનાં કારણો જાણવાના પ્રયાસ કરશે અને રિપોર્ટ મંત્રાલયને સુપરત કરશે.

    બ્લેક બૉક્સ વિમાનમાં સૌથી અગત્યની ચીજ હોય છે, જે ક્રેશ કે અકસ્માતની ઘટનામાં બહુ અગત્યનું પુરવાર થઈ પડે છે. બ્લેક બૉક્સમાં ફ્લાઇટનો ડેટા ઉપરાંત અંતિમ ક્ષણોની વાતચીત અને ચર્ચા વગેરેનો રેકોર્ડ હોય છે. તેની રચના એ રીતે થઈ હોય છે કે તે ક્રેશ બાદ પણ યથાવત રહે છે. તેની ઉપરથી પછીથી તમામ માહિતી મેળવી શકાય છે.