2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા મૂળ પાકિસ્તાનના આતંકવાદી તહવ્વુર રાણાને ભારત લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. તાજેતરમાં જ વડાપ્રધાન મોદીની US યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાણકારી આપતાં કહ્યું હતું કે તેમણે આતંકવાદીને ભારત પ્રત્યાર્પિત કરવાની પ્રશાસનિક મંજૂરી આપી દીધી છે.
તાજા સમાચાર અનુસાર, રાણાને લેવા માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની (NIA) એક ટીમ અમેરિકા જશે. આ ટીમ પણ નક્કી થઈ ગઈ છે અને તેમને તૈયાર રહેવા માટે જણાવ્યું છે. જેવી લીલી ઝંડી મળે કે તરત અધિકારીઓની ટીમ અમેરિકા જવા માટે રવાના થશે અને તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને રાણાને ભારત લાવવામાં આવશે.
હાલ બંને દેશોના વિદેશ વિભાગો વચ્ચે દસ્તાવેજોની આપ-લે ચાલી રહી છે. અમેરિકા તરફથી ‘સરેન્ડર વૉરન્ટ’ પર ગ્રીન સિગ્નલ મળ્યા બાદ ભારતથી ટીમ રવાના થશે. તેમને એરપોર્ટ પર આતંકીની કસ્ટડી આપવામાં આવશે અને તરત ત્યારબાદ ભારત આવવા માટે રવાના થશે.
ઉલ્લેખનીય છે કે તહવ્વુર રાણા હાલ અમેરિકાની જેલમાં બંધ છે. ત્યાંની સુપ્રીમ કોર્ટે તેના પ્રત્યાર્પણ માટે મંજૂરી આપી દીધી છે. તે આતંકી હુમલા વખતે લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ સાથે સંપર્કમાં હતો અને રેકીમાં પણ ભાગ ભજવ્યો હતો. મુંબઈમાં તેની સામે એજન્સીઓએ અનેક કેસ દાખલ કર્યા છે, જે મામલે તેને ભારત લાવવામાં આવ્યા બાદ ટ્રાયલ શરૂ કરવામાં આવશે.