Thursday, February 27, 2025
More

    શ્રીનગરમાં 2 પ્રવાસી શ્રમિકોની હત્યા મામલે એક્શનમાં NIA, આરોપીની સંપત્તિ જપ્ત

    જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં ફેબ્રુઆરી મહિનામાં 2 પ્રવાસી શ્રમિકોની હત્યાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા NIAએ તેની સંપત્તિ જપ્ત કરી લીધી. અહેવાલો અનુસાર, NIA અધિકારીઓએ શહેરના જલદાગર વિસ્તારમાં આદિલ મંજૂર લંગુની સંપત્તિ જપ્ત કરી હતી.

    NIA અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરોપીની સંપત્તિ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA)ની કલમ 25 હેઠળ જપ્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં ફેબુઆરી મહિનામાં શ્રીનગરમાં આતંકવાદીઓએ નાગરિકો પર હુમલો કર્યો હતો.

    આતંકીઓએ 7 ફેબ્રુઆરીના રોજ કરેલ આ હુમલામાં 2 લોકોને નજીકથી ગોળી મારી હતી. આ 2 સ્થાનિકોમાં પંજાબના અમૃતસર શહેરના 2 નિવાસીઓનો સમાવેશ થતો હતો. જે બંને મજૂરો હતા. આતંકીઓએ અમૃતપાલ સિંઘ અને રોહિત મસીહ પર નજીકથી ગોળી ચલાવી હતી.

    આ ગોળીબારમાં અમૃતપાલ સિંઘ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઘટના સ્થળે જ તેમણે જીવ ગુમાવ્યો હતો. જ્યારે ઘાયલ રોહિત મસીહને શ્રી મહારાજા હરિ સિંઘ હોસ્પિટલ શ્રીનગર (SMHS) ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં 3 દિવસની સારવાર બાદ તેમનું પણ મૃત્યુ થયું હતું.