Friday, July 11, 2025
More

    પહલગામ આતંકી હુમલાનું વધુ એક પાકિસ્તાન કનેક્શન આવ્યું સામે, એબોટાબાદથી મુઝફ્ફરાબાદ થઈને આવ્યા હતા આતંકીઓ: તપાસમાં NIAને માહિતી મળી હોવાના અહેવાલ

    જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલામાં (Pahalgam terror attack) 27 જેટલા નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. તપાસ એજન્સી NIAની તપાસમાં સામે આવ્યું છે કે, પીડિતોને ધર્મ પૂછી ગોળી મારનાર આતંકીઓ સરહદ પાર પાકિસ્તાનથી (Pakistan Connection) આવેલા હતા. NIAને સુત્રોથી મળેલી માહિતી મુજબ આતંકવાદીઓ પાકિસ્તાનના એબોટાબાદથી (Abbottabad) થઇ મુઝફ્ફરાબાદ અને ત્યાથી પોંચ-રાજૌરી વાળા એક ખાસ રૂટ પરથી ભારતના જમ્મુ-કાશ્મીરમાં દાખલ થયા હતા.

    આ ઘટનાની તપાસ કરતી NIA સહિતની વિવિધ એજન્સીઓને આ રૂટનો ઉપયોગ થયો હોવાની માહિતી મળી છે. જેથી આતંકવાદીઓ પાકિસ્તાનમાંથી જ આવેલા હતા એ સ્પષ્ટ થઇ ગયું છે. અહેવાલો અનુસાર પાકિસ્તાનથી આવેલા આ આતંકવાદીઓ મીલીટરી લેવલની ટ્રેનીંગ લઈને આવેલાં હતા. આતંકવાદીઓને આત્મઘાતી હુમલો, બચાવ ટેકનીક અને હુમલા બાદ છુપાઈ જવા જેવી બાબતોની તાલીમ મળેલી હતી. તપાસ એજન્સીઓનું માનવું છે કે, આતંકીઓ આ પહેલા થયેલા આતંકવાદી હુમલાઓમાં પણ સામેલ હોવા જોઈએ.

    આ ઉપરાંત NIA આ હુમલામાં સ્થાનિકોની સંડોવણીને લઈને પણ સઘન તપાસ કરી રહી છે. પહલગામમાં હુમલો કરનાર આતંકવાદઓને પાકિસ્તાનથી આવ્યા બાદ રહેવા, સંતાવા અને હુમલા બાદ ભાગી જવામાં મદદ કરનારની તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસમાં રવિવારના (22 જૂન) રોજ, NIA એ બે સ્થાનિક વ્યક્તિઓ પરવેઝ અહેમદ અને બશીર અહેમદની ધરપકડ કરી હતી, જેમણે આતંકવાદીઓને મદદ કરી હતી.