Thursday, July 10, 2025
More

    ‘તો બીજા જ દિવસે અમેરિકામાં નવી પાર્ટી ઊભી કરીશ…’: વિવાદિત બિલને લઈને ફરી ઈલોન મસ્કનો ટ્રમ્પને પડકાર

    અમેરિકી રાષ્ટ્રપતિ (US President) ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને ઉદ્યોગપતિ ઈલોન મસ્ક (Elon Musk) વચ્ચે ફરી વિવાદ વકરીને સામે આવ્યો છે. આ પહેલાં પણ બંનેનો વિવાદ સામે આવ્યો હતો. જોકે, હવે ઈલોન મસ્કે ટ્રમ્પને ખુલ્લી ચેતવણી આપી દીધી છે અને પોતાની નવી પાર્ટી ઊભી કરવા માટેનું કહી દીધું છે. તેમણે કહ્યું છે કે, જો તે વિવાદિત બિલ પસાર થયું તો તેના બીજા જ દિવસે તેઓ એક રાજકીય પાર્ટી ઊભી કરી દેશે. 

    ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ વિશેની માહિતી આપી છે. તેમણે પોસ્ટ કરીને લખ્યું કે, “જો વધુ ખર્ચાળ બિલ પસાર થઈ ગયું તો આગલા દિવસે જ ‘અમેરિકા પાર્ટી’નું ગઠન કરવામાં આવશે.” તેમણે આ બિલને લઈને અગાઉ પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટીકા કરી હતી અને બિલ અટકાવવા માટેની વાત કરી હતી. 

    વધુમાં ઈલોન મસ્કે લખ્યું છે કે, “આપણાં દેશને ડેમોક્રેટ-રિપબ્લિકન પાર્ટીઓના વિકલ્પની જરૂર છે. જેથી કરીને લોકો પાસે વાસ્તવિક ‘અવાજ’ હોય શકે.” નોંધનીય છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર સાથેના ‘વન બિગ, બ્યુટીફુલ બિલ’ને લઈને આ વિવાદ ચાલી રહ્યો છે. ખાસ કરીને ઈલોન મસ્કે આ બિલનો વિરોધ કર્યો છે અને અગાઉ પણ તેને લઈને ટ્રમ્પ અને મસ્ક સામસામે આવી ગયા હતા.