Wednesday, December 4, 2024
More

    રાજકોટ એરપોર્ટનું મુખ્ય ટર્મિનલ બનીને તૈયાર, ઉદ્ઘાટન માટે પીએમ મોદીને અપાયું નિમંત્રણ

    રાજકોટના નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું (Rajkot Airport) નવું અને અત્યાધુનિક ટર્મિનલ બિલ્ડિંગ બનીને તૈયાર થઈ ગયું છે અને તેનું ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 

    ગુરુવારે (14 નવેમ્બર) રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ એડવાઇઝરી કમિટીની પ્રથમ બેઠક મળી હતી. જેમાં રાજકોટના ભાજપ સાંસદ પુરુષોત્તમ રૂપાલાને ચેરમેન નીમવામાં આવ્યા. તેમની સાથે રાજ્યસભા સાંસદો રામ મોકરિયા અને કેસરીદેવસિંહ ઝાલાને સભ્યો તરીકે નીમવામાં આવ્યા છે. 

    બેઠક દરમિયાન એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોહરાએ કમિટીને જણાવ્યું હતું કે, એરપોર્ટનું નવું ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે અને તેના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ માટે વડાપ્રધાન કાર્યાલયને જાણ કરવામાં આવી છે, જેથી તારીખ મળી શકે. હજુ એ નક્કી નથી કે પીએમ રૂબરૂ આવશે કે વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લેશે. 

    રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ શહેરથી થોડા કિલોમીટર દૂર હીરાસર ગામમાં બનાવવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન 2023માં પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. જોકે, હાલ જે ટર્મિનલ ઉપયોગમાં લેવામાં આવે છે એ કાર્ગો ટર્મિનલ છે. મુખ્ય ટર્મિનલનું કામ ચાલી રહ્યું હતું, જે હવે પૂર્ણ થઈ ગયું છે.