ઇઝરાયેલ (Israel) અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન વચ્ચે ઝંપલાવીને હિઝબુલ્લાહે (Hezbollah) પોતાના જ પગ પર કુહાડી માર્યા જેવું કર્યું છે. ઇઝરાયેલી સેના આતંકી સંગઠનના એક-એક આતંકીને મારી રહી છે. નસરલ્લાહ અને સફીદ્દીનના મોત બાદ હવે નવો હિઝબુલ્લાહ ચીફ નઇમ કાસિમ પણ ઇઝરાયેલી સેનાથી બચતો ફરી રહ્યો છે.
જાણવા મળી રહ્યું છે કે, ઇઝરાયેલી સેનાના ડરના કારણે નઇમ કાસિમ ઈરાનમાં જઈને છુપાઈ ગયો છે અને સુરક્ષિત સ્થળે જીવન જીવી રહ્યો છે. કહેવાય રહ્યું છે કે, કાસિમ પર પણ ઇઝરાયેલી સેનાનું જોખમ મંડરાઈ રહ્યું હતું, જેના કારણે તે ઈરાનમાં જઈને છુપાઈ ગયો છે.
અહીં નોંધવા જેવું છે કે, આતંકી સંગઠન હિઝબુલ્લાહ ઈરાન દ્વારા સમર્થિત છે. તાજેતરમાં જ 27 સપ્ટેમ્બરના રોજ તેના ચીફ નસરલ્લાહને ઇઝરાયેલી સેનાએ ઠાર માર્યો હતો. ત્યારબાદ તેના પિતરાઈ ભાઈ સફીદ્દીનને હિઝબુલ્લાહ ચીફ બનાવવામાં આવ્યો હતો. જ્યારે ઇઝરાયેલી સેનાએ તેને પણ ઠાર માર્યો હતો.
જે બાદ હવે નઇમ કાસિમને હિઝબુલ્લાહ ચીફ ઘોષિત કરવામાં આવી રહ્યો હતો. પરંતુ, તે પહેલાં જ તે ઇઝરાયેલી સેનાના ડરથી ઈરાનમાં ભાગી ગયો છે.