Monday, February 17, 2025
More

    દિલ્હીના નવા મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ યોજાશે: અહેવાલ

    દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોના (Delhi Assembly Elections Results) 12 દિવસ પછી એટલે કે 20 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારોહ યોજાશે. જોકે, ભાજપે હજુ સુધી મુખ્યમંત્રી કોણ હશે તે જાહેર કર્યું નથી. માહિતી અનુસાર, મુખ્યમંત્રીના નામ માટે 19 ફેબ્રુઆરીએ પાર્ટીના ધારાસભ્યોની બેઠક યોજવાની છે જે પછી મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં આવશે.

    આ બેઠકમાં શપથ ગ્રહણ સમારોહના પ્રભારી વિનોદ તાવડે અને તરુણ ચુઘ પણ બેઠકમાં હાજર રહેશે. દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવા અને દિલ્હી ભાજપ સંગઠનના અધિકારીઓ પણ હાજર રહેવાના છે.

    દૈનિક ભાસ્કરના અહેવાલ અનુસાર શપથ ગ્રહણ સમારોહ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાશે. જેમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ અને એનડીએ શાસિત 20 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ સામલે હશે. આ ઉપરાંત ઉદ્યોગપતિઓ, ફિલ્મ સ્ટાર્સ, ક્રિકેટ ખેલાડીઓ, સંતો અને રાજદ્વારીઓ પણ સામેલ થવાની સંભાવના છે.

    નોંધનીય છે દેશની રાજધાની દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપ સરકાર બનાવવા જઈ રહ્યું છે. તેથી આ સમારંભ ભાજપ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. ત્યારે એવી ચર્ચા છે કે દિલ્હીમાં પૂર્વીય ક્ષેત્રના કોઈ વ્યક્તિને મુખ્યમંત્રી પદ આપી શકાય છે. જ્યારે નાયબ મુખ્યમંત્રીનું પદ કોઈ શીખ નેતાને આપવામાં આવે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.