ઓડિશા સ્થિત કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી (KIIT) ખાતે અભ્યાસ કરતી એક નેપાળી વિદ્યાર્થિનીના મૃત્યુ બાદ પ્રદર્શનો થઈ રહ્યાં છે અને મુદ્દો આંતરરાષ્ટ્રીય બની રહ્યો છે. મૃતક તેના હોસ્ટેલ રૂમમાંથી મૃત સ્થિતિમાં મળી આવી હતી, જેણે આપઘાત કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
મૃતકા મૂળ નેપાળની છે અને યુનિવર્સિટીમાં કૉમ્પ્યુટર સાયન્સમાં બી. ટેક કરતી હતી. રવિવારે (16 ફેબ્રુઆરી) સાંજે તે હોસ્ટેલના રૂમમાંથી મૃત હાલતમાં મળી આવી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલીને આત્મહત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.
બીજી તરફ અમુક વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં પ્રદર્શનો શરૂ કરી દીધાં હતાં. તેમનું કહેવું છે કે વિદ્યાર્થિનીએ અગાઉ તેનો એક સહપાઠી તેને હેરાન કરી રહ્યો હોવાની ફરિયાદ કરી હતી, પરંતુ કોલેજ પ્રશાસને કોઈ કાર્યવાહી કરી ન હતી.
પોલીસે આ યુવકની પણ અટકાયત કરી લીધી છે તેમજ FIRમાં આત્મહત્યા દુષ્પ્રેરણાની કલમ પણ ઉમેરવામાં આવી છે. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
બીજી તરફ, યુનિવર્સિટીનું કહેવું છે કે વિદ્યાર્થિનીએ પ્રેમસંબંધમાં વિખવાદને કારણે અંતિમ પગલું ભર્યું છે. એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, “યુનિવર્સિટીના અધિકારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેમણે એક વિદ્યાર્થીની ધરપકડ કરી છે. જે મૃતકા સાથે પ્રેમસંબંધમાં હોવાનું અનુમાન છે. માનવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે કોઈ વાતે તકરાર થયા બાદ વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યું છે.”