Monday, April 21, 2025
More

    નેપાળમાં રાજાશાહી પરત લાવવાની માંગ સાથે હિંસક પ્રદર્શનો બાદ પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહને દંડ, સુરક્ષા પણ ઘટાડી દેવાઈ 

    પાડોશી દેશ નેપાળમાં રાજાશાહી પરત લાવવાની અને હિંદુ રાષ્ટ્ર પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે ફરી એક વખત હિંસક પ્રદર્શનો શરૂ થઈ ગયાં છે. બે દિવસ પહેલાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાબળો સામસામે આવી ગયાં હતાં, જેના કારણે તણાવભરી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. 

    આ પ્રદર્શનો માટે કાઠમંડુ સિવિક બોડીએ નેપાળના પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહને જવાબદાર ઠેરવ્યા છે અને પ્રદર્શનોમાં જે જાહેર સંપત્તિને નુકસાન થયું છે તે માટે જ્ઞાનેન્દ્ર પાસેથી દંડ વસૂલવાનો આદેશ કર્યો છે. 

    જાણવા મળી રહ્યું છે કે નેપાળની સરકારે જ્ઞાનેન્દ્ર શાહની સુરક્ષા પણ ઘટાડી દીધી છે. આ સિવાય સુરક્ષાકર્મીઓની ટીમમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે અને કર્મચારીઓ નવા મૂકવામાં આવ્યા છે. 

    નેપાળી કોંગ્રેસ પાર્ટી જ્ઞાનેન્દ્રને જ આ પ્રદર્શનો ભડકાવવા માટે જવાબદાર ઠેરવી રહી છે. પૂર્વ વડાપ્રધાન અને વિપક્ષી CPN પાર્ટીના અધ્યક્ષ પુષ્પ કમલ દહલે પણ જ્ઞાનેન્દ્રને જ હિંસક પ્રદર્શનો માટે જવાબદાર ઠેરવ્યા છે. 

    બીજી તરફ, ધીમેધીમે હવે કાઠમંડુમાંથી કર્ફ્યૂ હટાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને જનજીવન સામાન્ય થવા માંડ્યું છે.