Tuesday, March 18, 2025
More

    નેપાળમાં ફરી ઉઠી રાજતંત્ર લાવવાની માંગ: શાહી મહેલ સુધી રેલીનું આયોજન, લાગ્યા રાજાના સમર્થનમાં નારા

    નેપાળમાં (Nepal) વર્તમાનમાં અનેક પ્રકારની રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં રાજાશાહી (Monarchy) પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે રેલીઓ યોજાઈ રહી છે. બુધવારે રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીએ (RPP) કાઠમંડુમાં એક બાઇક રેલીનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. RPPને ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્રનો ટેકો છે.

    રેલી દરમિયાન ‘નારાયણહિતી ખાલી ગૈરા, હમારા રાજા આઉદૈ છાન’ (રાજવી મહેલ ખાલી કરો, અમે રાજાને પાછા લાવી રહ્યા છીએ), એવા સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. આ રેલી બાબર પેલેસથી દરબાર માર્ગ પર સ્થિત તત્કાલીન શાહી મહેલ સુધી લગભગ ચાર કિલોમીટર લાંબી હતી.

    નોંધનીય છે કે 2008માં જ્યારે રાજાશાહી વ્યવસ્થાનો અંત આવ્યો ત્યારે આ શાહી મહેલને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યો હતો. ત્યારે આ રેલી દરમિયાન RPP પાર્ટીના અધ્યક્ષ રાજેન્દ્ર લિંગદેને કહ્યું કે સંઘીય સરકારનો અંત આવવો જોઈએ કારણ કે આ સરકારના કારણે ભ્રષ્ટ વ્યવસ્થા મજબૂત બની રહી છે.

    આ પહેલાં પણ નેપાળના લોકોએ રાજાશાહી માટે આંદોલન કર્યાં છે. નેપાળના ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્રનું ગલેશ્વર ધામ અને બાગલંગ કાલિકા ખાતે મોટી સંખ્યામાં લોકોએ ખૂબ જ ઉત્સાહ સાથે સ્વાગત કર્યું અને ઘણા લોકોએ રાજાશાહીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.