Tuesday, July 15, 2025
More

    ભાગેડુ નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ, ED-CBIની પ્રત્યાર્પણ વિનંતી પર કાર્યવાહી

    ભાગેડુ નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. ભારતીય એજન્સીઓ CBI અને EDની વિનંતી પર આ કાર્યવાહી શનિવારે (5 જુલાઈ) કરવામાં આવી. 

    નેહલ બેલ્જિયનનો નાગરિક છે. CBI અને EDની વિનંતી પર તેની સામે ઈન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. તેણે આ નોટિસને પડકારી પણ હતી, પણ પરત ખેંચાવી શક્યો ન હતો. 

    પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ કેસમાં નીરવ સાથે નેહલ સામે પણ આરોપો લાગ્યા છે. 2018માં ઉજાગર થયેલા આ કૌભાંડમાં મુખ્ય આરોપી નીરવ મોદી છે. એજન્સીઓનો આરોપ છે કે નેહલ મોદીએ પુરાવાઓ નષ્ટ કરવામાં, સાક્ષીઓને ધમકાવવામાં અને તપાસ પર નકારાત્મક અસર પાડવામાં નીરવ મોદીની મદદ કરી હતી. 

    નેહલ મોદી વિરુદ્ધ કૌભાંડમાંથી કમાયેલા હજારો કરોડનું મની લોન્ડરિંગ કરવાનો પણ આરોપ છે. તપાસમાં સામે આવ્યું કે તેણે શેલ કંપનીઓ દ્વારા આ પૈસાની હેરફેર કરી હતી અને વિદેશમાં પણ નાણાકીય વ્યવહારો કર્યા હતા. 

    તેના પ્રત્યાર્પણ માટે હવે 17 જુલાઈના રોજ સુનાવણી શરૂ કરવામાં આવશે. હવે નેહલ મોદી જામીન અરજી દાખલ કરશે, પણ અમેરિકન પ્રોસિક્યુશન એ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તે જમીનનો વિરોધ કરશે.