NCWએ (National Commission for Women) વિવાદિત ટિપ્પણીને લઈને રણવીર અલ્લાહબાદિયા, સમય રૈના અને તેના અન્ય સાથીઓને સમન્સ પાઠવીને 17 ફેબ્રુઆરીએ હાજર રહેવા માટે ફરમાન મોકલ્યું છે. આ મામલે સુનાવણી 17 ફેબ્રુઆરીના રોજ નક્કી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સાયબર પોલીસે સમય રૈનાના ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોમાં ભાગ લેનારા કેટલાક યુટ્યુબર્સ અને સોશિયલ મીડિયા ઇનફયુલન્સર્સ સામે FIR નોંધી છે. અત્યાર સુધીમાં આ શોમાં ભાગ લેનારા 30થી વધુ લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સાયબર પોલીસે યુટ્યુબને પત્ર લખીને બધા વિડીયો દૂર કરવા જણાવ્યું છે.
સાયબર વિભાગે સાયબર એક્ટની કલમ 67 હેઠળ કેસ દાખલ કર્યો છે અને 30 ગેસ્ટને સમન્સ પાઠવ્યા છે. સાયબર વિભાગે ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ને બધા એપિસોડ દૂર કરવા જણાવ્યું છે. આ ઉપરાંત, પહેલા એપિસોડથી અત્યાર સુધીમાં ભાગ લેનારા લગભગ 30 ગેસ્ટને સમન્સ મોકલવામાં આવી રહ્યા છે. તેમાં આશિષ ચંચલાની અને અપૂર્વ મખીજાના નામ પણ સામેલ છે. યુટ્યુબર્સ દ્વારા કરવામાં આવતી અપમાનજનક અને જાતિવાદી ટિપ્પણીઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
રણવીર અલ્લાહબાદિયા, સમય રૈના, અપૂર્વ મખીજા, જસપ્રીત સિંઘ અને આશિષ ચંચલાની તેમજ શોના નિર્માતાઓ તુષાર પૂજારી અને સૌરભ બોથરા જેવા કન્ટેન્ટ ક્રિએટરો દ્વારા કરવામાં આવેલી અપમાનજનક અને અયોગ્ય ટિપ્પણીઓએ કમિશનનું ધ્યાન ખેંચ્યું છે. હવે આવી સ્થિતિમાં, આ વિવાદ વધુ ઊંડો બની રહ્યો છે.