તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં નવા મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં સામેલ નેશનલ કૉન્ફરન્સના ધારાસભ્ય હિલાલ અકબર લોન (Hilal Lone) વિવાદમાં સપડાય ગયા. કારણ એ હતું કે તેઓ રાષ્ટ્રગીત (National Anthem) દરમિયાન ઊભા થયા ન હતા.
આ મામલે જમ્મુ-કાશ્મીર પ્રશાસને ધારાસભ્ય લોન વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. બીજી તરફ, તેમણે પાંગળો બચાવ કરતાં એમ કહ્યું હતું કે, કમરમાં દુઃખાવો હોવાના કારણે તેઓ બેસી ગયા હતા, રાષ્ટ્રગીતના અપમાનનો કોઈ ઇરાદો ન હતો.
જાણવા મળ્યા અનુસાર, શપથગ્રહણ સમારોહમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું ત્યારે હોલમાં એવા ઘણા લોકો હતા, જેઓ બેઠા રહ્યા હતા. જ્યારે નિયમ એવો છે કે રાષ્ટ્રગીત વગાડવામાં આવે ત્યારે સાવધાનની સ્થિતિમાં ઊભા રહીને માન આપવાનું રહે છે. જેઓ બેઠા રહ્યા હતા તેમાંથી એક હિલાલ લોન પણ હતા.
પોલીસે આ મામલે જણાવ્યું હતું કે, “રાષ્ટ્રગીત દરમિયાન એક વ્યક્તિ ઊભા ન થાય હોવાના મામલાનું પોલીસે સંજ્ઞાન લીધું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173(3) હેઠળ SP રેન્કના અધિકારી પ્રાથમિક તપાસ કરી રહ્યા છે અને આગળની કાર્યવાહી માટે ઇલેક્ટ્રોનિક પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે.”